IPL 2022 પર કોરોનાનું ગ્રહણઃ હવે મિશેલ માર્શનો બીજો ટેસ્ટ પોઝિટીવ, દિલ્લી-પંજાબની મેચ ઉપર સંકટ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન કોરોના સંકટથી ઘેરાઈ ગઈ છે. IPLના બાયો બબલમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન કોરોના સંકટથી ઘેરાઈ ગઈ છે. IPLના બાયો બબલમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર મિશેલ માર્શનો બીજો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. બીજી તરફ મંગળવારે તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થશે.
તમને જણાવી દઈએ કે, દિલ્હી કેપિટલ્સની ટીમ સોમવારે જ પુણે જવા રવાના થવાની હતી. બુધવારે 20 એપ્રિલે તેને પંજાબ કિંગ્સ સામે મેચ રમવાની છે. રિપોર્ટ અનુસાર આ મેચ સ્થગિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે માર્શ સિવાય ટીમ ડોક્ટર સાલ્વી, એક સોશિયલ મીડિયા કર્મચારી અને ત્રણ હોટલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયા છે.
શું IPL સ્થગિત થઈ શકે?
IPLના નિયમો અનુસાર, બાયો-બબલમાં કોરોના સંક્રમિત થયેલા ખેલાડીને ઓછામાં ઓછા સાત દિવસ માટે અલગ રહેવું પડશે. ટીમમાં પાછા ફરવા માટે, પોઝિટિવ આવનાર ખેલાડીના સતત બે RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવવા જરુરી છે. તમને જણાવી દઈએ કે, ટીમમાં ખેલાડીઓ કોરોના પોઝિટીવ આવ્યા બાદ પણ IPL અટકશે નહીં. જો કે, જો કોઈ ટીમમાં 12 ખેલાડીઓ રમી શકે તેવી હાલતમાં ના હોય (કોરોના પોઝિટીવ હોય) તો આ અંગેનો અંતિમ નિર્ણય IPL મેનેજમેન્ટ લેશે.
અગાઉ, બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, દિલ્હી કેપિટલ્સ આજે પુણે જવાની હતી, પરંતુ ટીમના તમામ સભ્યોને તેમના સંબંધિત રૂમમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. હાલ ટીમનો RT PCR થઈ રહ્યો છે. જેથી જાણી શકાય કે, શું ટીમમાં કોવિડ-19નું સંક્રમણ ફેલાઈ ગયું છે કે પછી એક જ કેસ છે. BCCIના કોરોના ટેસ્ટિંગ પ્રોટોકોલ મુજબ, IPL ટીમના દરેક સભ્યનું ટીમ બબલમાં દર પાંચમા દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જોકે છેલ્લી સિઝનમાં, દર ત્રીજા દિવસે કોરોના ટેસ્ટ થતો હતો. આ સિવાય જો ફ્રેન્ચાઈઝી ઈચ્છે તો તેના મેમ્બર્સનું ટેસ્ટિંગ પણ કરાવી શકે છે.