MI vs DC મેચમાં વરસાદને લઇને યલો એલર્ટ, દિલ્હી કેપિટલ્સે મેચ શિફ્ટ કરવાની કરી માંગ
MI vs DC: ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે

Mumbai Weather Today: આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 18 ની 63મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ (MI vs DC) વચ્ચે છે. વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આ મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ છે. જો દિલ્હી હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે અને મુંબઈ ક્વોલિફાય થનારી ચોથી ટીમ બનશે. જ્યારે જો દિલ્હી જીતશે તો હવે કોઈ પણ ટીમ ક્વોલિફાય થશે નહીં. પરંતુ જો વરસાદને કારણે મેચ રદ થાય છે તો દિલ્હીને મોટું નુકસાન થશે.
મંગળવારે ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જો વરસાદને કારણે મેચ રદ થાય છે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આ સ્થિતિમાં મુંબઈના 15 પોઈન્ટ અને દિલ્હીના 14 પોઈન્ટ રહેશે. ત્યારબાદ બંને ટીમોની આગામી મેચ પંજાબ કિંગ્સ સાથે છે. જો મુંબઈ તે મેચ જીતી જાય તો દિલ્હી તેની છેલ્લી મેચ જીતી જાય તો પણ તે બહાર થઈ જશે.
દિલ્હી કેપિટલ્સના સહ-માલિકે શું લખ્યું?
દિલ્હી કેપિટલ્સના સહ-માલિકે લખ્યું હતું કે, "મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે અને મેચ રદ્દ જવાની પ્રબળ શક્યતા છે. જે રીતે સ્થિરતાની શોધમાં અને લીગના હિતમાં બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચેની મેચ બેંગલુરુથી ખસેડવામાં આવી છે, તેમ હું વિનંતી કરું છું કે આવતીકાલની (21 મે) રમતને પણ અન્ય કોઈ સ્થળે ખસેડવામાં આવે કારણ કે આપણે છેલ્લા 6 દિવસથી જાણીએ છીએ કે 21 તારીખે મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે."
કોલકત્તાએ પણ બીસીસીઆઇને લખેલા એક પત્રમાં એ વાત પર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી કે વરસાદની આગાહી હોવા છતાં આરસીબી અને કોલકત્તા વચ્ચેની મેચમાં વધારાની 60 મિનિટનો નિયમ લાગુ કરવામાં આવ્યો ન હતો જ્યારે હવે તે લાગુ કરવામાં આવ્યો છે.
જો મુંબઇ અને દિલ્હી વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો શું?
હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ 12-12 મેચ રમી ચૂક્યા છે. મુંબઈના 14 પોઈન્ટ છે અને દિલ્હીના 13 પોઈન્ટ છે. જો આજની મેચ વરસાદને કારણે રદ થાય છે, તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં મુંબઈના 15 પોઈન્ટ અને દિલ્હીના 14 પોઈન્ટ થશે.
બંને ટીમોની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ સાથે છે. પછી જો દિલ્હી પંજાબને હરાવે તો પણ તેને પંજાબ વિરુદ્ધ મુંબઈ મેચના પરિણામની રાહ જોવી પડશે. જો મુંબઈ તે મેચ જીતે છે તો દિલ્હી પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે અને જો તે હારી જાય તો દિલ્હી પ્લેઓફમાં જશે. બીજી તરફ જો દિલ્હી પંજાબ સામે તેની મેચ હારી જાય છે તો મુંબઈ તેની છેલ્લી મેચ હારી જાય તો પણ તે રેસમાંથી બહાર થઈ જશે.
IPL 2025 પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ટીમો
ગુજરાત ટાઇટન્સ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
પંજાબ કિંગ્સ




















