(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022: ધોનીએ મેચની શરુઆતમાં પહેલીવાર આ શોટ્ રમ્યો, કોહલી, રોહીત અને ઉથપ્પાની ક્લબમાં પણ થયો શામેલ
આ સાથે ધોનીએ પોતાની આ તોફાની ઈનિંગમાં ટી20 ક્રિકેટમાં 7 હજાર રન પણ પુરા કરી લીધા છે. 7 હજાર રન પુરા કરનાર ધોની ભારતનો પહેલો વિકેટકિપર બેટ્સમેન છે.
IPL 2022: મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલના 15મા સીઝનમાં પોતાના જુના રંગમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ધોનીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી ચેન્નાઈની પ્રથમ મેચમાં 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. ત્યારે ધોનીનો સ્ટ્રાઈક રેટ 131.58નો રહ્યો હતો. હવે ધોનીએ ગઈકાલે લખનૌ સુપર જાયંટ્સ સામે રમાયેલી મેચમાં પણ 266.67ની સ્ટ્રાઈક રેટથી ઈનિંગ રમી હતી અને ફક્ત 6 બોલમાં 16 રન ઠોકી દીધા હતા. આ 16 રનમાં 2 ચોક્કા અને 6 સિક્સરનો સમાવેશ થાય છે.
પહેલા બોલ પર સિક્સઃ
કાલની મેચમાં ધોની 19મી ઓવરમાં બેટિંગ કરવા ઉતર્યો હતો. પોતાની ઈનિંગની શરુઆતમાં જ ધોનીએ પહેલા બોલે સિક્સ ફટકારી દીધી હતી. આઈપીએલમાં આ પ્રથમ વખત હતું કે ધોનીએ પહેલા બોલ પર જ સિક્સર ફટકારી હોય. ધોનીએ ઈન્ટરનેશનલ મેચમાં બે વખત પહેલા બોલ પર સિક્સ મારી છે. વર્ષ 2017માં ધોનીએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે રમેલી મેચમાં પ્રથમ બોલ પર સિક્સ ફટકારી હતી.
આવેશ ખાને શિવમ દૂબેને આઉટ કર્યો ત્યારે ચેન્નાઈની 5 વિકેટ પડી ગઈ હતી. આ બાદ ધોની રમવા ઉતર્યો હતો. ચેન્નાઈની ઈનિંગના 10 બોલ વધ્યા હતા. ધોનીએ આ 10 બોલમાંથી 6 બોલનો સામનો કર્યો હતો. ધોનીએ કવરમાં સિક્સ મારી અને થર્ડ મેન તરફ ચોક્કો ફટકાર્યો. આ બાદ ઈનિંગના છેલ્લા બોલ પર પણ ધોનીએ ચોક્કો માર્યો હતો.
ટી20 ક્રિકેટમાં 7 હજાર રન પણ પુરા:
આ સાથે ધોનીએ પોતાની આ તોફાની ઈનિંગમાં ટી20 ક્રિકેટમાં 7 હજાર રન પણ પુરા કરી લીધા છે. 7 હજાર રન પુરા કરનાર ધોની ભારતનો પહેલો વિકેટકિપર બેટ્સમેન છે. આ પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરશ રૈના, શિખર ધવન અને રોબિન ઉથપ્પાએ ટી20 મેચમાં 7 હજારથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ સૌથી વધુ 10326 રન ટી20 ક્રિકેટ ફોર્મેટમાં બનાવ્યા છે.