(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022: લખનઉ અને અમદાવાદમાં રમાઈ શકે છે પ્લેઓફની મેચ, જાણો ફાઈનલ ક્યાં રમાશે?
ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની ફાઈનલ અને પ્લેઓફ મેચોને લઈને એક મોટા સમાચાર મળ્યા છે. BCCIએ આ પહેલાં IPL 2022ની લીગ મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની ફાઈનલ અને પ્લેઓફ મેચોને લઈને એક મોટા સમાચાર મળ્યા છે. BCCIએ આ પહેલાં IPL 2022ની લીગ મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. હવે પ્લેઓફ મેચોને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.
લખનઉ અને અમદાવાદમાં પ્લેઓફ મેચઃ
મીડિયા રિપોર્ટ અનુસાર આઈપીએલ 2022ની પ્લેઓફ મેચો લખનઉ અને અમદાવાદમાં રમાઈ શકે છે, બીસીસીઆઈ આવનારા દિવસોમાં જલ્દી જ આ મેચોનું એલાન કરી શકે છે. જણાવાઈ રહ્યું છે કે, આ નિર્ણય ટૂર્નામેંટમાં બે નવી ટીમો જોડાવાના કારણે લેવાઈ શકે છે.
અમદાવાદમાં થશે ફાઈનલ મુકાબલોઃ
મળતા મીડિયા રિપોર્ટ અનુસાર પ્લેઓફની ત્રણ મેચો લખનઉ શહેરમાં આવેલા ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેઈ ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ શકે છે. આ ત્રણ મેચોમાં બે ક્વોલીફાયર અને એક એલીમિનેટર મેચ રમાશે. જ્યારે ટાઈટલ મેચ એટલે કે ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
29 મેના રોજ ફાઈનલ મેચઃ
ઉલ્લેખનિય છે કે, આઈપીએલ 2022ની શરુઆત 26 માર્ચથી થઈ હતી. આ સિઝનની ફાઈનલ મેચ 29 મેના દિવસે રમાશે. ગ્રુપ સ્ટેજની બધી મેચ મુંબઈના વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાઈ પાટિલ સ્ટેડિયમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ સિવાય પૂણે શહેરના એમસીએ સ્ટેડિયમમાં પણ ગ્રુપ સ્ટેજની મેચો રમાઈ રહી છે.
IPLમાં આજે હૈદરાબાદ અને લખનઉ વચ્ચે થશે ટક્કર:
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) આઈપીએલ 2022ની 12મી મેચમાં લખનઉ સુપર જાયંટ્સ (LSG) સાથે ટકરાશે. સનરાઈઝર્સ હૈદરાબાદની શરુઆત રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ મેચ હારીને થઈ હતી. આ સ્થિતિમાં ટીમ પોતાની બેટિંગ સુધારવા માટેનો પ્રયત્ન કરશે અને સીઝનની પ્રથમ જીત મેળવવાના ઈરાદે મેદાન પર ઉતરશે. બીજી તરફ લખનઉએ ચેન્નાઈ સામે 210 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરીને પણ જીત મેળવી લીધી હતી. તેથી હવે લખનઉ અને હૈદરાબાદ વચ્ચેની આજની મેચ રોમાંચક રહેશે. આ મેચમાં લખનઉ સુપર જાયંટ્સની ટીમમાં જેસન હોલ્ડર અને કાઈલ મેયર્સ પણ જોડાશે જેનાથી ટીમ વધુ મજબુત થશે.
પિચ રિપોર્ટઃ
ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીની પીચ સમતોલ છે. છેલ્લી 10 મેચોમાં આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સરેરાશ સ્કોર 172 રન છે. બંને ટીમો ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો પ્રયાસ કરશે કારણ કે આ મેદાન પર રમાયેલી મોટાભાગની મેચો લક્ષ્યાંકનો પીછો કરીને જીતવામાં આવી છે. ફાસ્ટ બોલરો આ મેદાન પર ઘણા સફળ રહ્યા છે. હૈદરાબાદ અને લખનઉ વચ્ચે રમાનારી મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે તે જોવાનું રહેશે. IPL 2022માં તાજી પિચો બેટ્સમેન અને બોલરો બંનેને શાનદાર પ્રદર્શનની તક આપી રહી છે. IPL 2022માં અહીં રમાયેલી બંને મેચોમાં ઓછો સ્કોર જોવા મળ્યો હતો. પ્રથમ દાવની સરેરાશ 157 રન છે જ્યારે બીજી ઈનિંગની સરેરાશ 147 રન છે. આ પિચ પર ઝાકળ એક મોટું અને અસરકારક પરિબળ સાબિત હશે.