IPL 2022 TV Rating: બીજા અઠવાડિયામાં પણ IPLના TV દર્શકોમાં ઘટાડો, જાણો રેટિંગના ઘટાડાનું કારણ
IPL 2022ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ અઠવાડિયામાં પણ આઈપીએલની ટીવી રેટિંગમાં ગયા વર્ષની તુલનામાં 28 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.
IPL 2022ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ અઠવાડિયામાં પણ આઈપીએલની ટીવી રેટિંગમાં ગયા વર્ષની તુલનામાં 28 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. આઈપીએલ લાઈવ બ્રોડકાસ્ટ રેટિંગના પ્રથમ અઠવાડિયામાં પણ 33 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એક રિપોર્ટ અનુસાર કેટલાક એડવર્ટાઈઝર ટૂર્નામેંટના ઓન-એર પ્રદર્શનથી ખુશ નથી અને ઘણા ચિંતિત છે. ગયા વર્ષે કોરોના મહામારીમાં પણ આઈપીએલની રેટિંગ આ વર્ષની સરખામણીમાં ઘણી સારી રહી હતી. જ્યારે આ વર્ષે આઈપીએલનું રેટિંગ ગયા વર્ષ કરતાં પણ સારુ રહેવાનું અનુમાન હતું. પરંતુ આઈપીએલના દર્શકોમાં ઘટાડો નોંધાયો છે. જો કે, આ વિષય પર કોઈ સત્તાવાર નિવેદન નથી મળ્યું.
ઈનસાઈડ સ્પોર્ટ્સના એક અહેવાલ પ્રમાણે, આટલું ખરાબ રેટિંગ આવશે તેનું કોઈ અનુમાન નહોતું. આઈપીએલનું રેટિંગ ક્યારેય આટલું નીચે નથી નોંધાયું. આ વખતે 20 થી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે, જાહેરાત આપનાર કંપનીઓએ આ વખતે 25 ટકા વધારે ચાર્જ ચુકવ્યો છે. આઈપીએલના ગયા સિઝન પર નજર નાખીએ તો દર વર્ષે ટીઆરપી વધતી નજર આવી છે. કારણ કે ભારતમાં ક્રિકેટને જોવાવાળા અને તેને પસંદ કરનારા લોકોની સંખ્યા ઘણી વધુ છે. જો કે, આ ઘટાડો ચિંતાજનક છે. જો આઈપીએલના કાર્યક્રમને જોઈએ તો તે બરાબર જ છે. બીસીસીઆઈએ આઈપીએલના કાર્યક્રમના આયોજનમાં શનિ-રવિ બે મેચો રાખી છે.
IPLના TV દર્શકોમાં ઘટાડાનું કારણઃ
આમ તો દર્શકોમાં થયેલા ઘટાડાના ઘણાં કારણો હોઈ શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં એ પણ કહેવાયું છે કે, આઈપીએલના ઈતિહાસમાં સૌથી લોકપ્રિય અને સફળ રહેલી બે ટીમો - ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈંડિયન્સનું પ્રદર્શન અત્યાર સુધીમાં ખરાબ રહ્યું છે. આ સિવાય એબી ડિવિલિયર્સ રિટાયર્ડ થઈ ગયો છે. ક્રિસ ગેલ પણ આઈપીએલમાં નથી. જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ પણ આઈપીએલ 2022માં નથી રમી રહ્યા. આ ખેલાડીઓ વિશ્વ ક્રિકેટમાં ચાહકોને ક્રિકેટ જોવા માટે પ્રોત્સાહિત કરતા ચહેરા છે. આ ખેલાડીઓની IPL 2022માં ગેરહાજરી તેની રેટિંગ્સને નુકસાન પહોંચાડી રહી છે.