DC vs RCB: દિલ્હી સામે જીત બાદ પોઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોચી RCB, વિરાટ-પંડ્યાની રેકોર્ડ ભાગીદારી
બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી હરાવીને સીઝનની સાતમી જીત નોંધાવી હતી

કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી હરાવીને સીઝનની સાતમી જીત નોંધાવી હતી. ઘરની બહાર આ તેમનો સતત છઠ્ઠો વિજય છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 18.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા અને મેચ જીતી લીધી હતી. દિલ્હી તરફથી અક્ષર પટેલે બે અને દુષ્મંથા ચમીરાએ એક વિકેટ લીધી હતી.
ટૉપ પર પહોંચી આરસીબી
આ જીત સાથે આરસીબી આરસીબી 14 પોઈન્ટ અને 0.521 ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં બેંગલુરુએ 10 માંથી સાત મેચ જીતી છે. દિલ્હી જેણે નવમાંથી છ મેચ જીતી છે અને ત્રણ હારનો સામનો કર્યો છે, તે 12 પોઈન્ટ અને 0.482 નેટ રન રેટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે. ગુજરાત અને મુંબઈ ઇન્ડિયન્સ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. બંનેના ખાતામાં 12-12 પોઈન્ટ છે.
કૃણાલ અને કોહલી વચ્ચે ચોથી વિકેટ માટે સીઝનની સૌથી મોટી ભાગીદારી
લક્ષ્યનો પીછો કરતી વખતે આ મેચમાં આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 26 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલે જેકબ બેથેલ (12) અને દેવદત્ત પડ્ડિકલ (0) ની વિકેટ લીધી હતી. આ દરમિયાન કરુણ નાયરે કેપ્ટન રજત પાટીદારને રન આઉટ કરીને આરસીબીને તેમની ત્રીજી વિકેટ અપાવી હતી. આ પછી વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ જવાબદારી સંભાળી. બંનેએ ચોથી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી, જે કોઈપણ આરસીબી બેટ્સમેનની સૌથી મોટી ભાગીદારી છે અને આ સીઝનમાં ચોથી વિકેટ માટે પણ સૌથી વધુ ભાગીદારી છે.
કૃણાલે નવ વર્ષ પછી ફિફ્ટી ફટકારી
આ દરમિયાન કૃણાલ પંડ્યાએ 38 બોલમાં પોતાની કારકિર્દીની બીજી અડધી સદી પૂરી કરી હતી. આ પહેલા તેણે 2016માં ફિફ્ટી ફટકારી હતી. તે 47 બોલમાં 73 રન બનાવીને અણનમ રહ્યો હતો. કોહલીએ વર્તમાન સીઝનમાં તેની છઠ્ઠી અડધી સદી પણ પૂર્ણ કરી હતી.
આ મેચમાં દિલ્હીની શરૂઆત સારી રહી હતી. અભિષેક પોરેલ અને ફાફ ડુ પ્લેસિસે પ્રથમ વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી. હેઝલવુડે પોરેલને પોતાનો શિકાર બનાવ્યો. તે 11 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 28 રન કરીને આઉટ થયો હતો. આ પછી યશ દયાલે ત્રીજા નંબરે આવેલા કરુણ નાયરને પેવેલિયન મોકલી દીધો હતો. તે ફક્ત ચાર રન જ કરી શક્યો હતો. કેએલ રાહુલે 41 રન બનાવ્યા જ્યારે સ્ટબ્સે 188.88 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 34 રન બનાવ્યા હતા. કેપ્ટન અક્ષર પટેલે 15, આશુતોષ શર્માએ બે અને વિપ્રાજ નિગમે 12 રન બનાવ્યા હતા.




















