ઈશાન કિશને આ શું કર્યું? IPLના ઈતિહાસમાં આવું માત્ર બે વાર બન્યું છે
એક મેચમાં સદી ફટકાર્યા બાદ બીજી મેચમાં ગોલ્ડન ડક પર આઉટ, યાદીમાં સામેલ થનાર બીજો બેટ્સમેન બન્યો.

SRH vs CSK IPL 2025: ઈશાન કિશનનું નામ આજે IPLની એક અનોખી યાદીમાં નોંધાયું છે. પોતાની છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારનાર ઈશાન આ મેચમાં પહેલા જ બોલ પર આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો.
ક્રિકેટમાં એવું કહેવાય છે કે એક મેચમાં સદી અને બીજી મેચમાં શૂન્ય, પરંતુ આવું ભાગ્યે જ જોવા મળે છે. જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટને બાજુ પર રાખીએ અને માત્ર IPLની વાત કરીએ તો ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં આવું ફક્ત બે જ વખત બન્યું છે. હવે ઈશાન કિશને આ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પોતાની પ્રથમ મેચ રમતા ઈશાન કિશને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી અને મેદાનમાં દોડીને તેની ઉજવણી પણ કરી હતી, પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની આજની મેચમાં તે પહેલા જ બોલ પર એટલે કે ગોલ્ડન ડક પર આઉટ થઈ ગયો હતો.
શાર્દુલ ઠાકુરે પોતાની પહેલી જ ઓવરમાં સતત બે બોલ પર પહેલા ઓપનર અભિષેક શર્મા અને પછી ઈશાન કિશનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઈશાન કિશન IPLમાં પહેલીવાર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમી રહ્યો છે. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ ૪૭ બોલમાં ૧૦૬ રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ આજે જ્યારે તે એલએસજી સામે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તે શાર્દુલ ઠાકુરના બોલ પર રિષભ પંતના હાથે કેચ આઉટ થયો અને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો. ઈશાન કિશનના આઉટ થવાથી ટીમ પર દબાણ વધી ગયું હતું કારણ કે તે ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો.
આ પહેલા IPLના ઈતિહાસમાં આવું માત્ર એક જ વાર બન્યું હતું જ્યારે કોઈ બેટ્સમેને એક મેચમાં સદી ફટકારી હોય અને બીજી મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હોય. વર્ષ ૨૦૧૩માં સીએસકે તરફથી રમતા સુરેશ રૈનાએ પંજાબ કિંગ્સ સામે સદી ફટકારી હતી, ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સ સામેની આગામી મેચમાં તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. હવે ઈશાન કિશન આ યાદીમાં સામેલ થનાર બીજો બેટ્સમેન બની ગયો છે.
આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અભિષેક શર્મા માત્ર ૬ રન બનાવીને આઉટ થયો હતો અને ટીમનો સ્કોર માત્ર ૧૫ રન હતો. ત્યારબાદ ઈશાન કિશન પણ આ જ સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ટ્રેવિસ હેડે ૪૭ રન બનાવ્યા બાદ આઉટ થતાં ટીમને મોટો ફટકો પડ્યો હતો. જો કે, ત્યારબાદ હેનરિક ક્લાસેન અને નીતિશ કુમાર રેડ્ડીએ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.




















