આ કેચ જોયો? દિલ્હીના મેકગર્કે બાઉન્ડ્રી પર પકડ્યો અવિશ્વસનીય કેચ, વીડિયો જોઈને તમે પણ કહેશો 'વાહ!'
IPL 2025: હૈદરાબાદ સામેની મેચમાં જેક ફ્રેઝર-મેકગર્કે ઊંડી મિડવિકેટ પર કર્યો જબરદસ્ત જમ્પ, અનિકેત વર્માની ઇનિંગનો અંત.

Jake Fraser-McGurk catch: આઈપીએલ ૨૦૨૫ની ૧૦મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં દિલ્હીના ખેલાડી જેક ફ્રેઝર-મેકગર્કે એક એવો કેચ પકડ્યો કે જેણે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા. મેકગર્કના આ શાનદાર કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે.
મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ૧૮.૪ ઓવરમાં ૧૬૩ રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી અનિકેત વર્માએ સૌથી વધુ ૭૪ રન બનાવ્યા હતા. જોકે, તેની આ શાનદાર ઇનિંગનો અંત જેક ફ્રેઝર-મેકગર્કના એક અદભુત કેચથી આવ્યો હતો.
મેચની ૧૬મી ઓવરમાં દિલ્હીના ડાબા હાથના સ્પિનર કુલદીપ યાદવે શોર્ટ ઓફ લેન્થ બોલ ફેંક્યો હતો. અનિકેત વર્માએ બોલને મિડવિકેટ પર ફટકારવાનો પ્રયાસ કર્યો, અને શોટ જોઈને લાગી રહ્યું હતું કે બોલ સરળતાથી બાઉન્ડ્રી પાર કરી જશે. પરંતુ અનિકેત બોલને જોઈએ તેટલી ઊંચાઈ આપી શક્યો નહીં. પરિણામે, બોલ ડીપ મિડવિકેટ પર ઊભેલા જેક ફ્રેઝર-મેકગર્ક તરફ ઝડપથી ગયો.
ફ્રેઝર-મેકગર્કે બાઉન્ડ્રી લાઇન પર પરફેક્ટ ટાઇમિંગ સાથે એક લાંબો કૂદકો લગાવ્યો અને હવામાં જ એક હાથથી બોલને પકડી લીધો. આ કેચ એટલો અદ્ભુત હતો કે મેદાન પરના ખેલાડીઓ અને દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પહેલાં પણ જેક ફ્રેઝરે આ જ મેચમાં પેટ કમિન્સનો એક કેચ પકડ્યો હતો. આમ, ફિલ્ડિંગમાં તેણે પોતાની ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું.
Flying Jack 🦸pic.twitter.com/FMaQgKZe9v
— CricTracker (@Cricketracker) March 30, 2025
મેચની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી અને પાવરપ્લેમાં ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અનિકેત વર્માએ હેનરિક ક્લાસેન સાથે મળીને પાંચમી વિકેટ માટે ૭૭ રનની ભાગીદારી કરી હતી. જોકે, ક્લાસેન આઉટ થયા બાદ હૈદરાબાદની બેટિંગ ફરી એકવાર કથળી ગઈ હતી. અનિકેત વર્મા એક છેડે ટકી રહ્યો હતો, પરંતુ બીજા છેડે વિકેટો પડતી રહી હતી. અંતે, કુલદીપના બોલ પર મેકગર્કના શાનદાર કેચથી તેની ઇનિંગનો અંત આવ્યો હતો.
હૈદરાબાદ તરફથી અનિકેત વર્મા (૭૪), ક્લાસેન (૩૨) અને ટ્રેવિસ હેડે (૨૨) રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી મિચેલ સ્ટાર્ક સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે ૫ વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવને ૩ વિકેટ મળી હતી. મેકગર્કના આ અદભુત કેચની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે અને તેને આઈપીએલ ૨૦૨૫નો શ્રેષ્ઠ કેચ પણ ગણવામાં આવી રહ્યો છે.

