MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
રેયાન રિકલ્ટનની અણનમ ૬૨ રનની ઇનિંગ અને અશ્વિની કુમારની બોલિંગે મુંબઈને અપાવી પ્રથમ જીત.

MI vs KKR highlights: IPL 2025માં સતત બે મેચોમાં હારનો સામનો કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે આખરે વિજયનો સ્વાદ ચાખ્યો છે. પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ૮ વિકેટે કારમી હાર આપી હતી. મુંબઈની આ જીતનો પાયો તેમના બોલરોએ નાખ્યો હતો, જેમાં ખાસ કરીને પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા ૨૩ વર્ષીય અશ્વિની કુમારે શાનદાર બોલિંગ કરી હતી.
અશ્વિની કુમારે આ મેચમાં માત્ર ૨૪ રન આપીને ૪ મહત્વની વિકેટો ઝડપી હતી. તેની સાથે દીપક ચહર અને ટ્રેન્ટ બોલ્ટે પણ ચુસ્ત બોલિંગ કરી હતી અને કોલકાતાની ટીમને માત્ર ૧૬.૨ ઓવરમાં ૧૧૬ રનના નજીવા સ્કોર પર ઓલઆઉટ કરી દીધી હતી. કોલકાતાના બેટ્સમેનો મુંબઈના બોલરો સામે ટકી શક્યા નહોતા અને નિયમિત અંતરે વિકેટો ગુમાવતા રહ્યા હતા. કોલકાતા તરફથી અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ ૨૬ રન બનાવ્યા હતા, જ્યારે સુનીલ નારાયણ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ક્વિન્ટન ડી કોક માત્ર ૧ રન અને વેંકટેશ અય્યર માત્ર ૩ રન બનાવીને આઉટ થયા હતા. રિંકુ સિંહ સેટ થયા બાદ પણ ૧૭ રનના સ્કોર પર ખરાબ શોટ રમીને વિકેટ ગુમાવી બેઠો હતો. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા મનીષ પાંડેએ ૧૯ રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે આન્દ્રે રસેલ માત્ર ૫ રન બનાવી શક્યો હતો. અંતમાં રમનદીપ સિંહે ૧૨ બોલમાં ૨૨ રન બનાવીને KKRને માંડ ૧૦૦ના આંકડાને પાર પહોંચાડ્યું હતું.
૧૧૭ રનના નાના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આસાનીથી જીત મેળવી લીધી હતી. મુંબઈએ માત્ર ૧૨.૫ ઓવરમાં જ ૨ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઓપનર રેયાન રિકલ્ટને ૪૧ બોલમાં અણનમ ૬૨ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તેને સૂર્યકુમાર યાદવનો સારો સાથ મળ્યો હતો, જેણે માત્ર ૯ બોલમાં અણનમ ૨૭ રન બનાવ્યા હતા.
A different 'Monday Blues' for @mipaltan 💙#MI register a convincing 8⃣-wicket victory over #KKR and are up and away in #TATAIPL 👌💙
— IndianPremierLeague (@IPL) March 31, 2025
Scorecard ▶ https://t.co/iEwchzEpDk#MIvKKR pic.twitter.com/FtEfP0HDtJ
આ હાર સાથે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પોઈન્ટ ટેબલમાં નીચે સરકી ગઈ છે. ત્રણ મેચોમાંથી માત્ર એક જ મેચ જીતવાને કારણે ટીમ હવે ૧૦માં સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે આ પ્રથમ જીત સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. મુંબઈએ પણ ત્રણમાંથી એક મેચ જીતી છે, પરંતુ તેમનો નેટ રન રેટ +૦.૩૦૯ છે, જે તેમની સ્થિતિને મજબૂત કરે છે.
કોલકાતાને હરાવવાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. મુંબઈની ટીમ હવે કોઈપણ એક સ્ટેડિયમમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમ બની ગઈ છે. મુંબઈએ વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતાને ૧૦ વખત હરાવ્યું છે. એટલું જ નહીં, મુંબઈએ IPLમાં સૌથી વધુ ૨૪ વખત KKRને હરાવ્યું છે, જે એક રેકોર્ડ છે.
હવે મુંબઈ ઈન્ડિયન્સ તેની આગામી મેચ ૪ એપ્રિલે લખનૌ સુપરજાયન્ટ્સ સામે રમશે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ તેની આગામી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં રમશે.




















