MI vs LSG: લીગ સ્ટેજમાં પ્રથમ વખત મુંબઈએ લખનૌને હરાવ્યું, સૂર્યકુમાર બાદ બુમરાહ-જૈક્સ-બોલ્ટ ચમક્યા
IPL 2025ની 45મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું હતું. IPLના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈએ લખનૌને લીગ સ્ટેજમાં હરાવ્યું છે.

Mumbai Indians vs Lucknow Super Giants Full Highlights: IPL 2025ની 45મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું હતું. IPLના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈએ લખનૌને લીગ સ્ટેજમાં હરાવ્યું છે. 10 મેચોમાં મુંબઈની આ છઠ્ઠી જીત છે. આ સાથે, MI હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે.
મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 215 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 161 રન જ બનાવી શકી હતી. લખનૌની 10 મેચમાં આ પાંચમી હાર છે. લખનૌની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
મુંબઈ દ્વારા આપવામાં આવેલા 216 રનના ટાર્ગેટના જવાબમાં લખનૌની શરૂઆત સારી રહી ન હતી. એડન માર્કરામ માત્ર 09 રન બનાવી શક્યો હતો. આ પછી મિશેલ માર્શ અને નિકોલસ પૂરને ઝડપથી રન બનાવ્યા. લખનૌએ પાવરપ્લેમાં એક વિકેટના નુકસાને 60 રન બનાવ્યા હતા પરંતુ તે પછી ટીમે પોતાની લય ગુમાવી દીધી હતી અને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.
મિશેલ માર્શ 24 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પૂરન 15 બોલમાં 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેના બેટમાંથી એક ફોર અને ત્રણ સિક્સર આવી હતી.
ફરી એકવાર કેપ્ટન ઋષભ પંતનું બેટ શાંત રહ્યું. તે માત્ર 04 રન બનાવી શક્યો હતો. આયુષ બદોનીએ 22 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલર 16 બોલમાં માત્ર 24 રન જ બનાવી શક્યો હતો. અબ્દુલ સમદ પણ સસ્તામાં આઉટ થયો હતો. તે બે રન બનાવીને આઉટ થયો હતો.
5️⃣ 𝗪𝗜𝗡𝗦 𝗜𝗡 𝗔 𝗥𝗢𝗪 📈💙@ril_foundation | #ESADay #EducationAndSportsForAll #MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvLSG pic.twitter.com/AYRU1GuUTU
— Mumbai Indians (@mipaltan) April 27, 2025
મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. વિલ જેક્સે બે વિકેટ ઝડપી હતી. જેક્સે પુરણ અને પંતની વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે 20 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
આ પહેલા મુંબઈ તરફથી સૂર્ય કુમાર યાદવે 28 બોલમાં 54 અને રેયાન રિકલ્ટને 32 બોલમાં 58 રન ફટકાર્યા હતા. અંતે નમન ધીર 11 બોલમાં 25 રન બનાવીને અણનમ રહ્યો હતો. નવોદિત કોર્બીન બોશે 10 બોલમાં 20 રન બનાવ્યા હતા. બે વિકેટ લેનાર વિલ જેક્સે પણ બેટથી 29 રન બનાવ્યા હતા.



















