WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: મહિલા પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાઈ હતી

WPL 2025:
MI vs DC In WPL Final: મહિલા પ્રીમિયર લીગની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટીમો એકબીજા સામે ટકરાશે. અગાઉ, હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટરમાં ગુજરાત જાયન્ટ્સને 47 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સ, ટેબલ ટોપર હોવાથી ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. હવે ફાઇનલ શનિવારે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. મહિલા પ્રીમિયર લીગ ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સનો રેકોર્ડ કેવો રહ્યો છે? આ ટાઇટલ મેચમાં કઈ ટીમનો હાથ ઉપર છે?
મહિલા પ્રીમિયર લીગ ફાઇનલમાં કઈ ટીમનો હાથ ઉપર છે?
આંકડા દર્શાવે છે કે મહિલા પ્રીમિયર લીગ ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સનો હાથ ઉપર રહ્યો છે. મહિલા પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાઈ હતી. તે મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ પછી દિલ્હી કેપિટલ્સ બીજી સીઝનની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ આ વખતે સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું. જોકે, હવે દિલ્હી કેપિટલ્સ સતત ત્રીજી સીઝનમાં ફાઇનલમાં પહોંચી છે.
શું દિલ્હી કેપિટલ્સ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી શકશે?
અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સે બંને વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પહેલી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવીને ચેમ્પિયન બન્યું હતું. હવે પ્રશ્ન એ છે કે શું દિલ્હી કેપિટલ્સ ફાઇનલમાં પોતાના હારના સિલસિલાને ટાળી શકશે? શું હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત મહિલા પ્રીમિયર લીગ ચેમ્પિયન બનશે? જોકે, આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ બે વાર એકબીજા સામે ટકરાયા છે. જેમાં દિલ્હી કેપિટલ્સે બંને વખત મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે.
WPLના ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ ફાઇનલમાં પહોંચ્યું છે. અગાઉ MI ટીમે WPL 2023ની ફાઇનલ રમી હતી અને દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે 15 માર્ચે ફાઇનલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. દિલ્હી અત્યાર સુધીમાં ત્રણ વખત મહિલા પ્રીમિયર લીગની ફાઇનલમાં પહોંચી છે.
ગુજરાતની વાત કરીએ તો તે પહેલીવાર મહિલા પ્રીમિયર લીગના પ્લેઓફમાં પહોંચ્યું હતું. 2023 અને 2024 સીઝનમાં તેને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સે પહેલીવાર ફાઇનલ રમવાનું ગુજરાતનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું છે.




















