સચિન તેંડૂલકરની પ્લેઈંગ 11માં ધોની, વિરાટ અને રોહિતની બાદબાકી, જાણો સચિને પોતાની ટીમમાં કોને પસંદ કર્યા
IPL 2022માં ખેલાડીઓના પ્રદર્શન, રેકોર્ડ, આઈપીએલ રેકોર્ડ, ટીમોના પ્રદર્શનનું વિશ્લેષણ થઈ રહ્યું છે અને હાર-જીતના કારણોની ચર્ચાઓ થઈ રહી છે.
IPL 2022: ઈન્ડિયન પ્રિમીયર લીગ 2022નું ટાઈટલ ગુજરાત ટાઈટન્સે જીતી લીધું છે. ત્યારે હાલ આ સિઝનમાં ખેલાડીઓના પ્રદર્શન, રેકોર્ડ, આઈપીએલ રેકોર્ડ, ટીમોના પ્રદર્શનનું વિશ્લેષણ થઈ રહ્યું છે અને હાર-જીતના કારણોની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડૂલકરે પણ આ ચર્ચાઓ વચ્ચે આ સિઝનમાં બધી ટીમોના ખેલાડીઓએ કરેલા પ્રદર્શનના આધારે પોતાની પસંદગીની પ્લેઈંગ 11 ટીમની યાદી જાહેર કરી છે. જો કે, સચિને જાહેર કરેલી આઈપીએલ 2022ની આ પ્લેઈંગ ઈલેવનમાં દિગ્ગજ ક્રિકેટર ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ નથી.
આઈપીએલના સ્ટાર ક્રિકેટર ગણાતા રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમ.એસ ધોની આ વર્ષની આઈપીએલમાં સારા ફોર્મમાં નથી જોવા મળ્યા. વિરાટ કોહલીએ આ સીઝનમાં રમેલી 16 મેચોમાં ફકત 341 રન બનાવ્યા છે જેમાં 2 અર્ધ શતક ફટકાર્યાં હતાં. રોહિત શર્માનું પ્રદર્શન પણ ઘણું નિરાશાજનક રહ્યું હતું અને તે 14 મેચોમાં ફક્ત 268 રન બનાવી શક્યો હતો. જ્યારે ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો, ધોની 14 મેચોમાં ફક્ત 232 રન બનાવી શક્યો હતો. રોહિતની કેપ્ટનશીપવાળી મુંબઈ અને ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં સાવ તળીયે રહી હતી. જ્યારે કોહલી જે ટીમમાં રમી રહ્યો હતો તે બેંગ્લોરની ટીમ ત્રીજા ક્રમે રહી હતી.
સચિને પોતાની યુ-ટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં IPL 2022ના પસંદગીના ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે. સચિને શિખર ધવન અને જોસ બટલરને ઓપનર તરીકે પસંદ કર્યા છે. જ્યારે કે.એલ રાહુલને ત્રીજા ક્રમે જ્યારે હાર્દિક પંડ્યાને ચોથા ક્રમે રાખ્યો છે. ડેવિડ મિલર, લિયામ લિવિંગસ્ટોન અને દિનેશ કાર્તિકને મિડલ ઓર્ડર બેટિંગ માટે પસંદ કર્યા છે.
સચિનની ટીમમાં બે ફાસ્ટ બોલર અને બે સ્પિનરનો સમાવેશ થયો છે. જેમાં નંબર 8 ઉપર સચિને રાશિદ ખાન, નંબર 9 ઉપર મોહમ્મદ શમીને રાખ્યા છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને 10મા ક્રમે સ્થાન મળ્યું છે. આ સીઝનમાં પર્પલ કેપ પર કબ્જો કરનાર સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલને 11મા નંબર પર સચિને પસંદ કર્યો છે.
સચિનની IPL 2022 પ્લેઈંગ 11:
શિખર ધવન
જોસ બટલર
કે.એલ રાહુલ
હાર્દિક પંડ્યા
ડેવિડ મિલર
લિયામ લિવિંગસ્ટોન
દિનેશ કાર્તિક
રાશિદ ખાન
મોહમ્મદ શમી
જસપ્રિત બુમરાહ
યુઝવેન્દ્ર ચહલ