(Source: ECI/ABP News/ABP Majha)
Paris Olympics 2024: નહીં થાય ટ્રાયલ, વિનેશ ફોગાટ સહિત 6 પહેલવાનોને ડાયરેક્ટ એન્ટ્રી, ઓલિમ્પિક ગેમ્સ પર મોટું અપડેટ
Paris Olympics 2024: આગામી દિવસોમાં શરૂ થવા જઇ રહેલા પેરિસ ઓલિમ્પિક ગેમ્સને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, 2024માં પેરિસ ઓલિમ્પિક્સ ગેમ્સ નજીક આવી રહી છે
Paris Olympics 2024: આગામી દિવસોમાં શરૂ થવા જઇ રહેલા પેરિસ ઓલિમ્પિક ગેમ્સને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, 2024માં પેરિસ ઓલિમ્પિક્સ ગેમ્સ નજીક આવી રહી છે, જે 26મી જુલાઈથી શરૂ થશે, અને આ ગેમ્સ 11મી ઓગસ્ટ સુધી ચાલશે. હવે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ સંજયસિંહે મંગળવારે એક નિવેદન આપતા કહ્યું છે કે, આગામી ઓલિમ્પિક ગેમ્સ માટે કુસ્તીમાં કોઈ ટ્રાયલ થશે નહીં. આ નિર્ણયનો અર્થ એ છે કે જે કુસ્તીબાજોને ક્વૉટા મળ્યો છે તેમને ઓલિમ્પિક ગેમ્સમાં સીધો પ્રવેશ આપવામાં આવશે. જૂના અધિકારીઓએ ટ્રાયલનો નિયમ બનાવ્યો હતો, પરંતુ હવે કેટલાક ખેલાડીઓની માંગ પર ટ્રાયલ નહીં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કયા કયા પહેલવાનોને મળી ક્વૉટામાંથી એન્ટ્રી ?
ક્વૉટા હેઠળ ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ટુકડીમાં સામેલ કુસ્તીબાજોમાં વિનેશ ફોગાટ (50 કિગ્રા), આનંદ પંઘાલ (53 કિગ્રા), રિતિકા હુડા (76 કિગ્રા), નિશા દહિયા (68 કિગ્રા), અંશુ મલિક (57 કિગ્રા)નો સમાવેશ થાય છે. પુરૂષ કુસ્તીબાજોમાં, ક્વૉટામાંથી ઓલિમ્પિક ગેમ્સમાં જનારો એકમાત્ર કુસ્તીબાજ અમન સેહરાવત હશે, જે 57 કિલોગ્રામની સ્પર્ધામાં ભાગ લેશે. અમન સેહરાવત અને નિશા દહિયાએ આ વર્ષે ઈસ્તાંબુલમાં આયોજિત કુસ્તી ક્વૉલિફાયરમાં સારો દેખાવ કરીને ક્વૉટા હાંસલ કર્યો હતો. મતલબ કે ક્વોટા મેળવનાર છ કુસ્તીબાજો હવે ટ્રાયલ પ્રક્રિયામાંથી પસાર થયા વિના ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ શકશે.
કેમ મળી રહી છે ડાયરેક્ટ એન્ટ્રી ?
ડબ્લ્યુએફઆઈના પ્રમુખ સંજયસિંહે તેમના નિવેદનમાં સીધા પ્રવેશનું કારણ સમજાવતા જણાવ્યું હતું કે, "5 કુસ્તીબાજોએ અમને ટ્રાયલ ના લેવા વિનંતી કરી હતી કારણ કે તેનાથી તેમની તૈયારીઓને અસર થશે. આવી સ્થિતિમાં તેઓએ વજન ઘટાડવું પડશે અને ટ્રાયલ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે બહુ ઓછો સમય બાકી હોવાથી પસંદગી સમિતિએ ટ્રાયલ ન યોજવાનો નિર્ણય લીધો છે અને WFI પહેલા પણ આવું જ કરી રહ્યું છે.