Paris Olympics 2024: લક્ષ્ય સેને ઈતિહાસ રચ્યો, ઓલિમ્પિકના 128 વર્ષના ઈતિહાસમાં આવું કરનાર પ્રથમ ભારતીય
Paris Olympics 2024 Lakshya Sen: ભારતીય શટલર લક્ષ્ય સેન ઓલિમ્પિક્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલના સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય શટલર બની ગયા છે.
Paris Olympics 2024 Lakshya Sen: ભારતીય શટલર લક્ષ્ય સેને શુક્રવારે ઇતિહાસ રચ્યો. તેમણે પુરુષ એકલ ક્વાર્ટર ફાઇનલમાં ચાઉ ટીએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો. આની સાથે જ સેન ઓલિમ્પિક્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલના સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય શટલર બની ગયા છે. પ્રથમ સેટ હાર્યા બાદ લક્ષ્યે જોરદાર વાપસી કરી અને ચાઉ ટીએન ચેનને વાપસીનો કોઈ મોકો આપ્યો નહીં.
પ્રથમ સેટની શરૂઆતમાં લક્ષ્ય સેન અને તાઈપેના ચાઉ ટીએન ચેન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. એક સમયે બંને એથ્લીટ બરાબરીમાં હતા અને સ્કોર 9-9 હતો. ત્યારબાદ ચાઉ ટીએન ચેને લીડ બનાવવાનું શરૂ કર્યું અને તેમણે સેનને વાપસીના વધુ મોકા આપ્યા નહીં. જોકે, લીડ બનાવ્યા બાદ ચાઉ ટીએન ચેને કેટલીક ભૂલો કરી જેનાથી સેને સ્કોર 15-15 સુધી પહોંચાડ્યો.
લક્ષ્ય સેને પોતાના દિમાગનો પૂરો ઉપયોગ કર્યો અને લીડ બનાવવાનું શરૂ કરી દીધું. એક સમયે સેન 17-15થી આગળ હતા. અહીંથી બંને વચ્ચે કાંટાની લડાઈ જોવા મળતી રહી અને સ્કોર 18-18ની બરાબરી પર પહોંચી ગયો. ત્યારબાદ ચાઉ ટીએન ચેને લીડ બનાવી અને 21-19થી પ્રથમ સેટ પોતાના નામે કર્યો.
લક્ષ્ય સેને બીજા સેટની શરૂઆત લીડ સાથે કરી. જોકે, ચાઉ ટીએન ચેને વાપસીમાં વધુ સમય લગાડ્યો નહીં. ત્યારબાદ બંને વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો અને ગેમ 5-5ની બરાબરી પર પહોંચી ગઈ. ત્યારબાદ બંને ખેલાડીઓ નજીવા અંતરથી આગળ પાછળ રહ્યા અને થોડા સમયમાં જ સ્કોર 10-10ની બરાબરી પર પહોંચી ગયો. ત્યારબાદ લક્ષ્ય સેન અને ચાઉ ટીએન ચેન વચ્ચે જોરદાર ટક્કર ચાલુ રહી. ક્યારેક સેન લીડ બનાવતા તો ક્યારેક ચાઉ આગળ નીકળી જતા. ધીરે ધીરે સેન હાવી થતા ગયા અને સ્કોર 18-14 થઈ ગયો. આ દરમિયાન ચાઉ ટીએન ચેને કેટલીક ભૂલો પણ કરી. આનો લક્ષ્યે પૂરો ફાયદો ઉઠાવ્યો અને બીજો સેટ 21-15થી પોતાના નામે કર્યો.
ત્રીજા સેટની શરૂઆતથી જ બંને ખેલાડીઓએ જોરદાર પ્રહાર શરૂ કર્યા. બંને એકબીજા પર ભારે પડતા દેખાઈ રહ્યા હતા. જોકે, જેમ જેમ મેચ આગળ વધી તેમ સેનની પકડ મજબૂત થતી ગઈ. ત્રીજા સેટમાં પાછળ પડ્યા બાદ ચાઉ ટીએન ચેને વાપસીનો પ્રયાસ કર્યો. જોકે, લક્ષ્ય સેને તેમના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું અને 21-12થી આ સેટ પોતાના નામે કર્યો.