Hun To Bolish : હું તો બોલીશ : આવી હોય લેડી સિંઘમ ?
ભાવનગરમાં ખાખીને ડાઘ લગાવતો એક કિસ્સો સામે આવ્યો. એટ્રોસીટી કેસમાં ફરાર એક આરોપી પાર્થ ધાંધલિયા કે જેણે શોધવા ભાવનગર પોલીસે આખું ગામ ફેંદી નાખ્યું હતું તે વોન્ટેડ આરોપીને ભાવનગર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાના ઘરમાંથી ઝડપી પાડવામાં આવ્યો. 12 નવેમ્બરે SC-ST સેલને આ અંગે બાતમી મળતા મહિલા કોન્સ્ટેબલના ઘરે તપાસ કરવામાં આવી. તો ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ, ખાલી બિયરના ટીન અને પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી પાર્થ દિનેશ ધાંધલિયા મળ્યા. સાથે જ ઘરમાં સર્ચ દરમિયાન અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા જાની પણ મળી આવતા પોલીસે 2 મહિલા પોલીસ કર્મી અને વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. અને વોન્ટેડ આરોપીને પોતાના ઘરમાં આશરો આપવાના ગંભીર આરોપસર મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા અને ઉષા જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પકડાયેલ બે મહિલા કોન્સ્ટેબલમાંથી એક મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા હાઇફાઇ લાઇફ સ્ટાઇલ, મોંઘી ગાડી, ફેશનેબલ કપડાં અને સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની શોખીન છે. તેણે વર્દીમાં ગુજરાત પોલીસના લોગો લગાવેલા અનેક રીલ્સ સોશલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.





















