Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે પોલીસ?
ભરૂચના હાંસોટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની દારૂની મહેફીલ માણતા હોવાનો વીડિયો વાયરલ થયો. વીડિયોમાં હાંસોટ પોલીસ સ્ટેશનમાં ASI હિતેશ પરમાર અને GRD સભ્ય ઠાકોરભાઈ પટેલ સહિત અન્ય લોકો દારૂની મહેફિલ માણતા અને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ચોંકાવનારી વિગતો એ છે કે દારૂની મહેફિલ બાદ ટલ્લી થયેલા પોલીસ કર્મચારીઓએ જ મહેફિલનો વીડિયો સ્ટોરીમાં અપલોડ કર્યો. જેના કારણે પોલીસની દારૂની મહેફિલનો પર્દાફાશ થયો. વાયરલ વીડિયો બાદ ભરૂચના પોલીસ વડા મયુર ચાવડા એકશનમાં આવ્યા અને તાત્કાલિક ભરૂચ ડીવાયએસપીને તપાસ સોંપી. આજે સવારે આ કેસમાં ASI હિતેશ પરમાર, GRD સભ્ય ઠાકોરભાઈ પટેલ, બાબુ શેખ, મોહંમદ સફીક અબ્દુલ મજીદ શેખ, નાસીર, મહંમદ અનીસ મહંમદ યુનુસ મેમણ અને રઈશ નામના શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો. DySPની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ગઈ ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાથી નાસીર મિર્ઝા પરત ફરતા પોલીસ કર્મચારીઓ માટે હાંસોટના એક ભઠ્ઠા પર દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. આ મુદ્દે ASI હિતેશ પરમારને સસ્પેન્ડ કર્યા છે. અને ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે. બે દિવસ અગાઉ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા વર્કશોપમાં દારૂની મહેફિલ માણતા 2 પોલીસકર્મી ઝડપાયા હતા. આ બંને પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.





















