Abp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી ખેલ-કૂદ ક્ષેત્રે વરજાંગ વાળાને સન્માનિત કરાયા
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંદાજે પીસ્તાળીસોની વસતી ધરાવતું એ ગામ,જ્યાં અત્યાર સુધીમાં 800થી વધુ ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી વોલીબોલ રમી ચૂક્યા છે. તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે કે અંદાજે 150 ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્વોટામાં સરકારી નોકરી મળી જેમાં 50થી વધુ ગામની દિકરીઓ છે. પ્રદેશ,દેશ અને વિદેશમાં ક્યાંય પણ વોલીબોલની સ્પર્ઘા હોય, ગુજરાતના છેવાડાના જિલ્લા ગીર-સોમનાથના સરખડી ગામના ખેલાડીઓ હોય જ. અને એટલે જ સરખડી ઓળખાય છે વોલીબોલ ગામ તરીકે. જેનો શ્રેય જાય છે વરજાંગ વાળાને. ગામમાં વોલીબોલ રમવા માટે પુરતા સંસાધનો,મેદાનના અભાવ અને બહેનો માટેની રૂઢિચુસ્તતા વચ્ચે પણ વરજાંગ વાળાએ દિકરીઓને વોલીબોલ રમાડવાનું નક્કી કર્યું. 1990માં પહેલી વખત બહેનોની ટીમ વોલીબોલ રમવા ઉતરી ત્યારે આયોજકોએ ગણવેશમાં શર્ટ,ઘાઘરો,હાથમાં બંગડી,પગમાં ઝાંઝર અને સ્લીપર પહેરેલી બહેનોને જોઈને ઠપકો આપ્યો. પણ વરજાંગભાઈની દિકરીઓને વોલીબોલ રમતી કરવાની મક્કમતા અને વર્ષો વર્ષના સંઘર્ષના પરિણામે હાલ ગામના ખેલાડીઓમાં 64થી વધુ બહેનો રાષ્ટ્રીય કક્ષાએ અને 4 બહેનો આંતરરાષ્ટ્રીય લેવલ સુધી રમી ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખેલ-કૂદ ક્ષેત્રે વરજાંગભાઈ વાળાના યોગદાન બદલ તેમને અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.