Gold Silver Price Today: સોના- ચાંદીના ભાવમાં ભૂકંપ જેવી સ્થિતિ
આજે શુક્રવારે વાયદા બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના બજારમાં મનધડક વધઘટનો સિલસિલો યથાવત છે. 6 ફેબ્રુઆરી 2026 ના રોજ બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે સોનાના ભાવ પણ એક તબક્કે નીચે ઉતરીને ફરી રિકવર થયા છે.વૈશ્વિક બજારોમાં નબળા સંકેતો અને નફાખોરીને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ચાંદીના ભાવમાં પ્રારંભિક સત્રમાં જ અંદાજે 5 ટકા એટલે કે 14 હજાર 628 રૂપિયાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ સોનાના ભાવમાં પણ શરૂઆતમાં 2,675 રૂપિયાનો ઘટાડો નોંધાયો. જોકે નીચલા સ્તરેથી ખરીદી આવતા સોનામાં આંશિક રિકવરી જોવા મળી છે. જો ચાંદીના જૂના બંધ ભાવની વાત કરીએ તો એમસીએક્સ પર 2 લાખ 43 હજાર 815 પર પહોંચી ગયો હતો. જ્યારે આજે નવો ભાવ ખુલતાની સાથે 2 લાખ 34 હજાર 63 રૂપિયાને સ્પર્શયો હતો. જોકે થોડીક જ વારમાં આ કડાકો વધીને 2 લાખ 29 હજાર 187 રૂપિયા પર પહોંચી ગયો હતો. જેના પગલે આજનો ચાંદીનો કુલ કડાકો 5 ટકા જેટલો થઇ ગયો હતો. જ્યારે સોનાની વાત કરીએ તો સોનું 1 લાખ 52 હજાર 071 રૂપિયાના જૂના બંધ ભાવથી આજે કડાકા સાથે જ 1 લાખ 49 હજાર 396 પર ખુલ્યું હતું. જેના લીધે આજે સોનામાં 2 હજાર 675 નો કડાકો બોલાઈ ગયો હતો. જેના બાદ સોનામાં રિકવરી આવતા તે 1 લાખ 50 હજાર 700 પર ટ્રેડ થઇ રહ્યો હતો અને કડાકો ઘટીને 1371 પર આવી ગયો હતો. અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને પશ્ચિમી દેશોમાં વ્યાજદરો અંગેની અનિશ્ચિતતાને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. ચીનના બજારમાં ચાંદીના ભાવમાં આવેલા 15% ના કડાકાની સીધી અસર ભારતીય બજાર પર પડી છે, જેના કારણે અહીં પણ પેનિક સેલિંગ જોવા મળ્યું હતું.

















