Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
દ્વારકાના દર્શનાર્થે પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે આજની સવાર સાબિત થઈ અમંગળ. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટીયા પાસે એક અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને ટક્કર મારી ફરાર થઈ ગયો. આ દુર્ઘટનામાં ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર
તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર આવેલા ચાચાવદરડા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે પાંચે પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી ફરાર થઈ હતો. મૃતકોમાં અમરાભાઈ ચૌધરી, ભગવાનભાઈ ચૌધરી, હાર્દિક ચૌધરી, દિલીપભાઈનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા..




















