Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ: હવામાન વિભાગનું વધુ એક વખત વરસાદનું એલર્ટ
વરસાદનું જોર ઘટી જવાના કારણે રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ફરી એક વખત રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ સિવાય અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, આણંદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વરસાદ વરસવાની કોઈ શક્યતા નથી.
બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ગતિ કરતા મુંબઇ પૂણેમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે 15 સપ્ટેમ્બરના રોજ મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ સિસ્ટમ ગુજરાતમાં પણ 17 સુપ્ટેમ્બર બાદ વરસાદ લાવે તેવી શકયતાં છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતાં ફરી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે. મેઘરાજાએ રાજ્યમાં જોરદાર બેટિંગ કર્યાં બાદ હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદે લગભગ વિરામ લીધો છે. કચ્છના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. આગામી 24 કલાકમાં ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા નહિવત છે.




















