Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
ધોધમાર વરસાદે મોરબી શહેરને કર્યુ પાણી પાણી.. બે કલાકમાં વરસેલા ત્રણ ઈંચ વરસાદથી શનાળા રોડ, ગાંધી સોસાયટી, ઋષિકેશ વિદ્યાલય સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા.. શહેરના તમામ રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.. ભારે વરસાદ વચ્ચે વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.. મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓ જળબંબાકાર થતા રહિશોની પણ મુશ્કેલી વધી.. પાણી ભરાતા રોષે ભરાયેલા સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા..
મોરબી શહેરના નગરદરવાજા ચોકમાં શિવમ આઈસ્ક્રિમની દુકાન બહાર શોર્ટ સર્કિટ થતા નાસભાગ મચી હતી.. ચાલુ વરસાદે શોર્ટ સર્કિટ થતા જ પોલીસકર્મીઓએ દુકાનમાંથી લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. તો મીલી પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા રહિશોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવથી કંટાળેલા રહિશોએ ચક્કાજામ કરીને રોષ ઠાલવ્યો.. ચક્કાજામથી ઘુંટુ રોડ, મોરબી-હળવદ હાઈવે પરનો વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થતા મુસાફરો અટવાયા..
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ અને આસપાસની સોસાયટીઓમાં પણ ગોઠણડુબ પાણી ભરાયા.. રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.. રસ્તા પર પાણી ફરી વળતા મહાનગરપાલિકાની ટીમ પણ દોડતી થઈ.. તો નટરાજ ફાટક પાસે તો ઉલટી ગંગા વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.. ભુગર્ભ ગટરમાંથી વરસાદની સાથે ગટરના પાણી ઉભરાયને મામલતદાર કચેરીમાં ફરી વળ્યા..
મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો.. કાલિન્દ્રી નદી પર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યુ હતુ.. પરંતુ ડાયવર્ઝન પર જ વરસાદી પાણી ભરાતા ધરમપુર અને ટીંબડી જતા વાહન ચાલકોને નેશનલ હાઈવે પરથી પસાર થવાની પ્રશાસને સૂચના આપી.. આ તરફ વાંકાનેરના મેરસીયા અને અદેપર જતા રોડ પરનું પણ ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ કરાયો..


















