Donald Trump Tariffs News: ભારત પર આજથી 50 ટકા US ટેરિફ, જાણો કયા સેક્ટરોને થશે નુકસાન ?
આજથી ભારતથી અમેરિકામાં નિકાસ કરાતા માલ પર 50 ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે. 50 ટકા ટેરિફથી અમેરિકામાં વેચાતા કપડા, રત્નો, ઝવેરાત, ફર્નિચર, સીફૂડ જેવા ભારતીય ઉત્પાદનો મોંઘા થશે.. જેના કારણે માગમાં 70 ટકા સુધીનો ઘટી શકે છે. આ તરફ ચીન, વિયેતનામ અને મેક્સિકો જેવા ઓછા ટેરિફ ધરાવતા દેશો આ માલ સસ્તા ભાવે વેચશે. જેનાથી ભારતીય કંપનીઓનો US બજારમાં હિસ્સો ઘટશે. અગાઉ ટ્રમ્પે વેપાર સોદાઓમાં અવરોધોના પગલે ભારત પર 7 ઓગષ્ટથી 25 ટકા ટેરિફ લાગુ કર્યા હતા. વધારાનો 25 ટેરિફ આજથી એટલે કે હવેથી ભારતીય ઉત્પાદનો પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન પર દબાણ બનાવવા માટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે... અમેરિકા રશિયાના ક્રૂડ ઓઈલના વેપારને રોકીને પુતિન પર યુદ્ધ બંધ કરવા દબાણ લાવવા માગે છે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતો સાથે કોઈ સમજૂતી નહીં કરે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે અમેરિકાએ ટેરિફ મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે. પરંતુ મોદી માટે ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓના હિત સૌથી ઊપર છે. અમારા પર દબાણ વધી શકે છે, પરંતુ અમે દરેક મુશ્કેલીનો સામનો કરીશું. ભારત સિવાય બ્રાઝિલ પર પણ અમેરિકાએ 50 ટકા જેટલો જંગી ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતના ટેક્સટાઈલ, વસ્ત્રો, જેમ્સ અને જ્વેલરી, શ્રીમ્પ, લેધર અને ફૂટવેર, પશુ ઉત્પાદનો, રસાયણો અને ઈલેક્ટ્રિકલ તથા મિકેનિકલ મશીનરી પર ગંભીર અસર પડશે. જોકે, ફાર્મા, એનર્જી ઉત્પાદનો અને ઈલેક્ટ્રોનિક ગૂડ્સ જેવા સેક્ટર્સને ટેરિફમાંથી બાકાત રખાયા છે..





















