Farmer’s Success Story: એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ નોકરીના બદલે દેવભૂમિ દ્વારકાનો આ યુવક પ્રાકૃતિક ખેતીથી કમાય છે લાખોમાં, અમદાવાદ સહિતના શહેરોમાં વસ્તુઓનું કરે છે વેચાણ
Farmer's Success Story: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને નોકરી કરવાના બદલે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
Gujarat Agriculture News, Farmers' Success Story: ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃધ્ધિની દિશામાં આત્મનિર્ભર બની આગળ આવી રહ્યાં છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનેક ખેડૂતો સરકારની વિવિધ યોજનાનો લાભ લઇ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. આજે વાત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ ની કરવાની છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને નોકરી કરવાના બદલે દિનેશભાઈ છેલ્લા 14 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી છે સમયની માંગ
गावो विश्वस्य मातरः ઋગ્વેદના આ શ્લોક અનુસાર વેદોમાં ઋષિઓએ માઁ ના રૂપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ દરજ્જો આપ્યો છે, જેની સુરક્ષાની જવાબદારી દરેક માનવી પર છે. ધરતી માતાનું સ્વાસ્થ્ય ગૌમાતાના સંરક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ત્યારે ખેડૂતો હવે ધરતીમાતાના રક્ષણ કાજે ગૌ આધારીત ખેતી તરફ વળી રહ્યા છે. માત્ર મગફળી, કપાસ, કઠોળ જેવા પાકો જ નહીં પરંતુ વિવિધ ફળોનું પણ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી વાવેતર કરવામાં આવી રહ્યું છે. અને આવક માટેનું નવું માધ્યમ બનાવ્યું છે. રાસાયણિક ખાતરોના સતત ઉપયોગથી જાણે પ્રકૃતિનું દોહન થઈ રહ્યું છે અને જમીન બિન ફળદ્રુપ થઈ રહી છે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે.
ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામના દિનેશભાઈએ 2017માં પ્રાકૃતિક ખેતીની કરી શરૂઆત
ખંભાળિયા તાલુકાના સિધ્ધપુર ગામના રહેવાસી અને Bachelor of Engineering in Mechanical સુધીનો અભ્યાસ કરી અભ્યાસઅર્થે વિવિધ કંપનીઓની વિઝીટ દરમિયાન દિનેશભાઈને મશીન સાથે કામ કરવા કરતા પ્રકૃતિ સાથે જોડાઈ રહી આત્મનિર્ભર બની જીવનમાં સફળતા હાંસલ કરવાનો વિચાર આવ્યો અને પિતાએ શરૂ કરેલી પ્રાકૃતિક ખેતીમાં જોડાઇ ગયા.પ્રાકૃતિક કૃષિના વિચારો અપનાવી દિનેશભાઈએ પોતાની પાસે રહેલી 10 વિઘા જમીનમાં રાજ્ય સરકારની ગાય આધારીત ખેતી માટેની યોજનાનો લાભ મેળવી 4 ગાયો અને સાધન સહાય અંતર્ગત સબસીડી મેળવી ટ્રેક્ટરની ખરીદી કરી વર્ષ 2017માં પ્રાકૃતિક કૃષિ યજ્ઞનો પ્રારંભ કર્યો.
વર્ષે 6 લાખથી વધુ મેળવે છે આવક
દિનેશભાઈએ જણાવ્યું કે, Bachelor of Engineering in Mechanical સુધીનો અભ્યાસ કર્યો છે. જો હું કોઇ પણ કંપનીમાં નોકરી કરતો હોત તો મને મહિનાનો 30 થી 40 હજાર રૂપિયા સુધીનો પગાર મળત પરંતુ ખેતી પ્રત્યેના લગાવના કારણે મને મારા પિતાજી સાથે ખેતીમાં જોડાવવાનુંમન થયું. મારા પિતા વર્ષ 2007થી પ્રાકૃતિક ખેતી કરતા અને મને પણ તેમની સાથે ખેતીમાં જોડાવવાની ઇચ્છા થઇ તેથી મેં નોકરી કરવા કરતા ખેતીમાં જોડાવવાનું નક્કી કર્યું. દિનેશભાઈ જણાવે છે કે, તેઓ પોતાની જમીનમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનુસાર મગફળી, ચણા, રાય, સુર્યમૂખીનું વાવેતર કરે છે. જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરી વાર્ષિક રૂપિયા 5 થી 6 લાખથી વધુની આવક મેળવે છે.
અમદાવાદ સહિત અનેક શહેરોમાં વસ્તુઓનું વેચાણ
ચાલુ વર્ષે દિનેશભાઈ મગફળીનું ઉત્પાદન મેળવી ચૂક્યા છે, જ્યારે હાંલમાં તેમના ખેતરમાં ચણા, સુર્યમૂખી અને રાયડો, સરસવનું વાવેતર કરેલું છે. આ સિવાય પ્રાકૃતિક ખેતી થકી મેળવેલ ઉત્પાદનમાંથી મગફળીનું સિંગતેલ, સિંગદાણાના પેકેટ, પીનટ બટર બનાવીએ છીએ. આ ઉપરાંત ગીર ગાયના દેશી ઘી ના પેકેટ, ચણાદાળ, ચણાલોટ, સેવ, સુર્યમૂખીના ફુલનું વેચાણ કરીએ છીએ. પ્રાકૃતિક કૃષિ એ કૃષિની એક એવી પધ્ધતિ છે જેમાં ખેડુતને એક પૈસાનું પણ ઉત્પાદન બજારમાંથી ખરીદવું પડતું નથી કે રોકડ નાણાની પણ જરૂર પડતી નથી. તેઓ આ તમામ વસ્તુઓનું વેચાણ ખંભાળિયા, દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં કરે છે.