Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
અમદાવાદના ઓઢવ નજીક આવેલા સિંગરવાના ગામ પાસે આવેલી સાગર કેમિકલ એન્ડ ડ્રગ ફેક્ટરીમાં મોડીરાત્રે આગ લાગ ભભૂકી. કેમિકલના કારણે પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોમાં અફરા-તફરી મચી ગઈ. આગ એટલી ભીષણ હતી કે આગની જ્વાળાઓ દૂર- દૂર સુધી જોવા મળી હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું. રાત્રીના સમયે લાગેલી આગ પર વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં કાબૂ મેળવવામાં સફળતા મળી. સ્થાનિકોના મતે આ ફેક્ટરીમાં બોઇલર પણ છે. જો તેને કઈ થયું તો મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રાત્રીના સમયે સિક્યોરિટી સ્ટાફ જ હાજર હતો જે આગ લાગતા જ બહાર નીકળી જતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી. આજે વહેલી સવારથી ફાયર વિભાગ અને ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમ કંપની ખાતે પહોંચી છે અને ક્યાં કેમિકલના કારણે આગ ભભૂકી તે દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.



















