ભારત વિશ્વ માટે “અન્નદાતા” બની શકે છે મોટા પાયે એકીસાથે ખેતી કરવા પર ધ્યાન આપવાની જરૂર છે
સદ્ગુરુ કહે છે, “મારો આશય એ છે કે જે લોકોએ ખેતીમાં આખી જિંદગી લગાડી દીધી છે તેઓ ઓછામાં ઓછું શહેરના એક ડોક્ટર, એક વકીલ અથવા એક એન્જીનિયર જેટલું કમાય છે તેટલું કમાવા જોઈએ.
(સદ્ગુરુ)
આપણા દેશ પાસે દુનિયા માટે “અન્નદાતા” બની શકવાના આશીર્વાદ છે, કેમ કે આપણી પાસે ઋતુ, માટી અને આબોહવાનો વિશાળ અક્ષાંશીય વિસ્તાર છે. અને સૌથી મહત્ત્વનું કે, એક મોટી વસ્તી છે જેણે “માટીને ખોરાકમાં રૂપાંતરિત કરવાના જાદુને” આત્મસાત કરેલું છે.
દુર્ભાગ્યે, તે ખેડૂત જે આપણને ખોરાક પૂરો પડે છે તેના બાળકો ભૂખથી પીડાઈ રહ્યા છે અને તે આત્મહત્યા કરવા માંગે છે. એક પ્રાથમિક કક્ષાના સર્વેમાં અમને જાણવા મળ્યું હતું કે ખેતી કરતા સમુદાયના બે ટકા લોકો પણ નથી ઈચ્છતા કે તેમના બાળકો ખેતી કરે. બીજા 25 વર્ષોમાં, જ્યારે આ પેઢી ચાલી જાય, ત્યારે આપણા માટે ખોરાક કોણ ઉગાડશે? આ દેશમાં ખેતી ચાલુ રહે તે માટે તમારે તેને નફાકારક બનાવવી પડશે.
આની સામેની સૌથી મોટી અડચણ મોટા પાયે એકીસાથે ખેતી ન થવી તે છે - એક ખેડૂત પાસે જમીન બહુ ઓછી છે. અત્યારે, દરેક ખેડૂતે સરેરાશ જમીન એક હેક્ટર અથવા 2.5 એકર છે, જેનાથી તમે કંઇ ખાસ ન કરી શકો. ખેડૂતોને ગરીબી અને મૃત્યુ તરફ લઈ જનારી બે મુખ્ય સમસ્યાઓ છે સિંચાઈ માટે કરવું પડતું રોકાણ અને બજારમાં ભાવ વિષે વાટાઘાટો કરી શકવાની સત્તાનો અભાવ. મોટા પાયે એકીસાથે થતી ખેતી વિના, આ બે મહત્ત્વના પાસાંઓ તેમની પહોંચ બહાર રહે છે.
અત્યારે, અમે દેશના સૌથી સફળ ખેડૂત ઉત્પાદક સંસ્થાનોમાંના (FPO) એક વેલ્લિયંગિરિ ઉઝવનને ચલાવવામાં મદદ કરી રહ્યા છીએ. આ ખેડૂત ઉત્પાદક સંસ્થાન (FPO) લગભગ 1400 ખેડૂતોને સાથે લાવ્યું છે અને તેમની આવક બહુ મોટા પ્રમાણમાં વધી છે.
અમે ખેડૂત ઉત્પાદક સંસ્થાન (FPO) ચાલુ કર્યું તેની લગભગ ચાર વર્ષ પહેલાની આ વાત છે. એક સોપારીનો વેપારી તેનો ટ્રક લઈને ગામમાં આવતો. જ્યારે તે આવતો ત્યારે તે એક નાના ખેડૂતને સોપારીના નાના ઢગલા માટે કિલોના 24 રૂપિયા આપતો, એક મધ્યમ-સ્તરના ખેડૂતને એક મોટા ઢગલા માટે કિલોના 42 રૂપિયા આપતો, અને એક મોટા ખેડૂતને એક વિશાળ ઢગલા માટે કિલોના 56 રૂપિયા આપતો - એક જ દિવસે, એક જ વસ્તુ માટે. જો નાનો ખેડૂત વાટાઘાટ કરવાનો પ્રયત્ન કરતો તો તે કહેતો, “સારું, તો તમારો માલ તમે રાખો”, અને ચાલ્યો જતો. નાના ખેડૂત પાસે તેના ઉત્પાદનને વેંચવાનો કોઈ રસ્તો ન હતો. તેના ઉત્પાદનને બીજે ક્યાંક વેંચવા લઈ જવામાં બહુ વધારે ખર્ચ થાય અને બધા વેપારીઓ પોતાના જૂથ બનાવીને કાર્ટેલની જેમ કામ કરતા હોય છે. તેથી કોઈ તેની પાસેથી ખરીદે નહિ.
તો એકવાર ખેડૂત ઉત્પાદક સંસ્થાન (FPO) બન્યું પછી અમે બધાના ઉત્પાદનને એક જગ્યાએ એકઠું કરવાનું શરુ કર્યું. તુરંત જ, ખેડૂતોને કિલોના સરેરાશ 72-73 રૂપિયા મળવા લાગ્યા. આનાથી તેમનું જીવન બદલાઈ ગયું. પછી અમે ખેતીમાં જે વસ્તુઓની જરૂર પડે જેમ કે બિયારણ, ખાતર, જંતુનાશક વગેરેનો એક સ્ટોર ખોલ્યો. ઓછામાં ઓછો 30 ટકા ગાળો જે સામાન્ય રીતે વેપારીને મળતો તે સીધો ખેડૂતને મળવા લાગ્યો. તેનો અર્થ છે ખર્ચમાં 30 ટકાનો ઘટાડો. બીજી વસ્તુ જેને અમે વ્યવસ્થિત કરી તે હતી સોપારીના વૃક્ષ પર ચડીને સોપારી તોડી લાવતા લોકોની વ્યવસ્થા. તમે કોઈ પણ મજૂરને ચડવાનું ન કહી શકો; તે તેનો જીવ ખોઈ બેસશે. અમે એવા લોકોનું એક જૂથ બનાવ્યું જેમની પાસે આ આવડત હોય અને શેડ્યુલ ગોઠવ્યું કે ક્યારે તેઓ દરેક ખેતરે જશે. હવે ખેડૂતોએ તેમની પાછળ પાછળ દોડવું નથી પડતું. તે રોજનું સર્કસ હવે બંધ થઈ ગયું છે.
ખેતીમાં મૂળભૂત રીતે બદલાવ લાવવાની ચાવી
સરકારે જાહેર કર્યું છે કે તેઓ ઈચ્છે છે કે દેશમાં નવા 10,000 ખેડૂત ઉત્પાદક સંસ્થાન (FPO) બને. 10,000 ખેડૂત ઉત્પાદક સંસ્થાન (FPO) ઠીક છે, પરંતુ મહત્ત્વની વસ્તુ એ છે કે એક ખેડૂત ઉત્પાદક સંસ્થાનમાં એક શેઢે બાજુબાજુમાં જમીન હોય તેવા 10,000 ખેડૂતો હોય. નહીંતર, આપણે માર્કેટિંગ અને વસ્તુઓની ખરીદીમાં અમુક યુક્તિઓ અજમાવી શકીએ છીએ પરંતુ આપણે મૂળભૂત બદલાવ નહિ લાવી શકીએ. શા માટે?
અત્યારે, બે કારણોને લીધે ખેડૂતો દરરોજ તેમની જમીન પર જાય છે. એક વસ્તુ છે કે તેઓ ખાલી સાબિત કરવા જાય છે કે તેઓ તેના માલિક છે. નહીંતર, બીજું કોઈક તેમની સીમા પરના પથ્થરોને થોડા હટાવીને તેમની જમીનને ખેડવા લાગશે. બીજું કારણ છે સિંચાઈ માટેના ઇલેક્ટ્રિક પંપને ચાલુ અને બંધ કરવા માટે.
જો આપણી પાસે એક શેઢે બાજુબાજુમાં જમીન હોય, તો એવી કંપનીઓ છે જે ડિજિટલ સર્વે કરીને સેટેલાઇટ વડે હંમેશા માટે સીમા નિશ્ચિત કરી શકે છે. જમીન પર કોઈ પ્રકારનું આંકન કરવાની જરૂર નથી અને તેને કોઈ બદલી શકતું નથી. એકવાર આપણે તે કરીએ પછી, તેમણે દરરોજ ત્યાં જઈને તે તેમની જમીન છે તે સાબિત કરવાની જરૂર નથી. પછીની વસ્તુ જે આપણે કરી શકીએ છીએ તે છે એકબીજા સાથે જોડાઈને ખેતી કરવી. અત્યારે, દર 2-5 એકરે એક બોરવેલ છે, એક ઈલેકટ્રીક કનેક્શન છે અને એક કાંટાળી વાડ છે. આ સંસાધનોનો બહુ મોટો બગાડ છે. જો આપણી પાસે 10,000-15,000 એકર જમીન એક સાથે હોય, તો સિંચાઈને એક સમજણ ભરી રીતે કરી શકાય. ટપક સિંચાઈની ઘણી કંપનીઓ તેમની સર્વિસ ભાડે આપવા માટે પણ તૈયાર છે. તેનો અર્થ છે કે ખેડૂતે રોકાણ કરવાની જરૂર નથી અને પાણી સેંકડો બોરવેલમાંથી કાઢવું જરૂરી નથી. કદાચ 10-25 બોરવેલ આખી જમીનને સીંચી શકે છે.
જો આપણે આ બે વસ્તુઓને સંભાળી લઈએ - કે એક ખેડૂતે દરરોજ જઈને તે જમીન તેની છે તે સાબિત કરવાની અને પાણીનો પમ્પ ચાલુ કરવાની જરૂર ન રહે - તો ખેડૂતો તેમની જમીન પર વર્ષમાં ખાલી 60-65 દિવસો માટે જઈને બે પાક અસરકારક રીતે ઉગાડી શકે. આ દેશમાં ઓછામાં ઓછા 300 દિવસ માટે 60 કરોડથી વધુ લોકો નવરા પડશે. પછી તેનાથી બીજા વ્યવસાયોમાં મોટા પાયે વધારો થશે.
ઘણા અર્થોમાં, વેલ્લિયંગિરિ ઉઝવનના કૃષિ પરિવારોની સ્ત્રીઓ ઘણી નવરી થઈ ગઈ છે કેમ કે જરૂરિયાત વિના ગામમાં જઈને વસ્તુઓની સંભાળ લેવાનું ઓછું થઈ ગયું છે. તેથી તેમણે જાતે, બધી સ્ત્રીઓએ ભેગી થઈને મસાલા બનાવવાનું શરુ કર્યું. તે મસાલાના વ્યવસાયનું મૂલ્ય ખેતીના ઉત્પાદનના મૂલ્યની નજીક પહોંચી ગયું છે.
મારો આશય એ છે કે જે લોકોએ ખેતીમાં જિંદગી લગાડી દીધી છે તેઓ ઓછામાં ઓછું શહેરના એક ડોક્ટર, વકીલ કે એન્જીનિયર જેટલું કમાવા જોઈએ. નહીંતર આવનારા 25-30 વર્ષોમાં કોઈ ખેતી નહિ કરે.
અત્યારે, આપણે વિશ્વની વસ્તીના 17 ટકા છીએ. આપણે આ જમીન વડે આરામથી આ પૃથ્વીની બીજી 10 થી 40 ટકા વસ્તીને ખોરાક પૂરો પાડી શકીએ છીએ. તેટલી ક્ષમતા આ જમીનમાં રહેલી છે. આપણે તે ક્ષમતાનો ઉપયોગ કરીશું કે નહિ તે એક મોટો પ્રશ્ન છે, પણ ખેડૂત ઉત્પાદક સંસ્થાન (FPO) તે માટેની સંભાવના છે.
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017 માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર "પદ્મ વિભૂષણ" આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ - માટી બચાવોના સ્થાપક છે જે 3.91 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.