Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?
રાજ્યના આરોગ્ય વિભાગમાં વર્ગ-3ની 1903 સ્ટાફ નર્સની ભરતી માટે 9 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 53 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સીધી ભરતી માટે આરોગ્ય કમિશનરેટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીને પરીક્ષાનું કામ સોંપ્યું હતું. જીટીયુએ જાહેર કરેલી આન્સર કીમાં 100 પ્રશ્નોના સાચા જવાબ ABCD ક્રમમાં હોવાનું જાહેર થતા જ આખી ભરતીમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે. પરીક્ષામાં પ્રશ્નપત્ર-1- અને પ્રશ્નપત્ર-2 એમ બે પ્રકારના પ્રશ્નપત્રો હતા. આ પ્રશ્નપત્રોમાં પ્રશ્નોના ક્રમ બદલવાની તેની પેટર્ન ABCD રાખવામાં આવી હતી. પ્રશ્નનંબર-1નો જવાબ A....પ્રશ્ન-2નો જવાબ B....પ્રશ્ન-3નો જવાબ C....અને પ્રશ્ન-4નો જવાબ D....આ પછી પ્રશ્ન-5નો જવાબ A...એમ ફરી ક્રમબદ્ધ ABCD પેટર્ન તરીકેનું પ્રશ્નપત્ર હતું. જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે, કોઇપણ ઉમેદવાર 12થી16 પ્રશ્નો ઉકેલે એટલે તેને ખ્યાલ આવી જાય કે આમા પેટર્ન એબીસીડી છે. જો કે, નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં ગેરરીતિ ન થઈ હોવાનું આરોગ્ય વિભાગનું પ્રાથમિક તારણ છે. ત્યારે હવે આન્સર કીમાં ABCD પેટર્નના કારણે પરીક્ષાની વિશ્વસનિયતા દાવ પર લાગી છે. સવાલ વધુ એટલે ઉદભવી રહ્યા છે કારણ કે, કોચિંગ ક્લાસ ચલાવતા અને નર્સિંગ યુનિયનના સેક્રેટરી વનરાજ ચૌહાણની પોસ્ટ વાયરલ થઈ....વોટ્સએપ ગ્રૂપમાં તેઓ દાવો કરી રહ્યા છે કે, આપણે જે પેપર કાઢ્યું હતું, તે જ પેપર આવ્યું. વિવાદ વધતા વનરાજ ચૌહાણે સ્પષ્ટતા કરી કે, મને ખોટી રીતે બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. કેટલાક ઉમેદવારોએ મને કહ્યું હતું કે, તમે જેવા સવાલો કહ્યા હતા એવા જ સવાલો પૂછાયા. જેથી ઉમેદવારોનો ઉત્સાહ વધારવા આ પોસ્ટ લખી હતી.





















