Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?
Agriculture Tourism: એગ્રી. ટુરિઝમને વેગ આપવા અને સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતી કેરીની જાતનું ખેડૂતો સીધા જ ઉપભોક્તાઓને વેચાણ કરી શકે તેવા હેતુથી આ રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
Mango Festival: ગાંધીનગરના રામકથા મેદાન ખાતે 27 થી 29 મે દરમિયાન ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં અલગ અલગ રાજ્યોના કેરીના ઉત્પાદકો અને વિક્રેતાઓ ભાગ લઈ રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રવાસન ક્ષેત્રે અનેક નવતર પહેલ કરી છે એમાંની એક છે એગ્રીકલ્ચર ટુરિઝમ. એગ્રીકલ્ચર ટુરિઝમને વેગ આપવા અને સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતી કેરીની જાતનું ખેડૂતો સીધા જ ઉપભોક્તાઓને વેચાણ કરી શકે તેવા હેતુથી આ રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેંગો ફેસ્ટિવલમાં ભારતના વિવિધ પ્રાંતમાં ઉત્પાદિત થતી કેરીઓનું વેચાણ સહ પ્રદર્શન કરવામાં આવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોના કેરી ઉત્પાદકો અહીં એક જ સ્થળે મળી ગુણવત્તા સાથે કેરીનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તે માટે જ્ઞાનનું આદાન-પ્રદાન પણ કરશે. ગુજરાતના કચ્છ અને ગીર પંથક સહિત અનેક પ્રદેશોમાં કેરી ઉત્પાદિત કરતા ખેડૂતો, વાડીના માલિકો તથા કેરીના જથ્થાબંધ વેપારીઓને પોતાના ક્ષેત્રના વિકાસ માટે એક પ્લેટફોર્મ મળશે.
મેંગો મહોત્સવમાં પ્રદર્શિત થયેલી કેરીની જાત
ઉત્તર પ્રદેશની અંબિકા, અરૂણીકા, અરૂનિમા, પ્રતિભા, પિતાંબરા, લાલીમા, શ્રેષ્ઠ, સુર્યા, હુસનેરા, નાઝુક બાદન, ગુલાબ ખસ, ઓસ્ટીન, દશેરી, ચાઉસા, લંગડા, અમીન ખુર્દ, ગ્લાસ આમ્રપાલી, મલ્લિકા, ક્રિષ્ના ભોગ, રામ ભોગ, રામકેલા, શેહદ કુપ્પી, જરદારૂ, લખનૌવા સફેડા, જોહરી, સફેડા, બેંગ્લોરા, અમીન દુધિયા, બદામી ગોલા, બુધિયા, યુક્તિ, ફઝિલ, કેસર, લંબુરી, નારદ, સુરખા પરા, સુરખા, દશેરી, ચૌસા, લંગરા, આમ્રપાલી, મલ્લિકા, બોમ્બે ગ્રીન, યથાર્થ, મહારાષ્ટ્રની રત્નાગીરી, પશ્ચિમ બંગાશની હિમસાગર, આમ્રપાલી, બિહારની મૈદા, જરદાળુ ક્રિષ્નાભોગ, રાજસ્થાનની દશેરી, મલ્લિકા, લાંગરા, કેસર, કર્ણાટકની કર્ણાટકા આલ્ફાન્ઝોં અથવા બદામી મેંગો, કેરળની તોતા અને સુંદરી, આંધ્રપ્રદેશની બદામ, દિલ્હીની આલ્ફાન્સો, તમિલનાડુના તોતા અને સુંદરી, ગુજરાતની કેસર, હાફુસ કેરી તથા કેરીનું અથાણું, છૂંદો, મેંગો પલ્પ, શેક જામદર સહિતની અન્ય વેરાઈટીનું 50 થી વધુ સ્ટોલમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીને મળ્યો “બેસ્ટ ડિસ્પ્લે ઓફ મેંગો સ્ટોલ” નો એવોર્ડ
મેંગો ફેસ્ટિવલમાં ગુજરાત સહિત ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યની અનેક સંસ્થાઓ દ્વારા અવનવી જાતોની કેરીઓના નિદર્શન સ્ટોલ રાખવામાં આવેલ હતા. કૃષિ ક્ષેત્રે દેશભરમાં નામના ધરાવનાર આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ આ મેંગો ફેસ્ટિવલમાં નિદર્શન સ્ટોલ રાખવામાં આવેલ હતા, જેમાં આશરે 294 જેટલી અવનવી કેરીની જાતોનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ અદભૂત નિદર્શન બદલ માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કુલપતિશ્રી ડૉ કે. બી. કથીરિયાને “બેસ્ટ ડિસ્પ્લે ઓફ મેંગો સ્ટોલ” નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.