સનાતન બૉર્ડની રચના અને વક્ફ બૉર્ડના ખાત્માની માંગને લઇ મહાકુંભમાં 27 જાન્યુઆરીએ ભરાશે ધર્મ સંસદ
Maha Kumbh 2025: ધર્મ સંસદના આયોજન માટે વરિષ્ઠ સંતોની પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે

Maha Kumbh 2025: સંતોના સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય અખાડા પરિષદે 27 જાન્યુઆરીએ પ્રયાગરાજ મહાકુંભ ખાતે ધર્મ સંસદનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ ધર્મ સંસદ સેક્ટર ૧૭માં કથાવાચક દેવકીનંદન ઠાકુરના પંડાલમાં યોજાશે. આ ધર્મ સંસદમાં મુખ્યત્વે બે મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. પહેલો મુદ્દો દેશમાં સનાતન બૉર્ડની રચનાનો હશે અને બીજો મુદ્દો મુસ્લિમોના વક્ફ બોર્ડને નાબૂદ કરવાનો હશે.
આ ધર્મ સંસદમાં બધા અખાડાઓના પીઠાધીશેશ્વર અને મહામંડલેશ્વર તેમજ વિવિધ સંપ્રદાયોના અન્ય અગ્રણી સંતો અને મહાત્માઓને આમંત્રિત કરવામાં આવશે. આ ધર્મ સંસદમાં સંઘ કે રાજકારણ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ગોરક્ષ પીઠાધીશ્વર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથના વ્યસ્ત સમયપત્રકને ધ્યાનમાં રાખીને તેમને હાલમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.
ધર્મ સંસદને લઇને પાંચ સભ્યોની કમિટી ગઠીત કરવામાં આવી
ધર્મ સંસદના આયોજન માટે વરિષ્ઠ સંતોની પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરી સાથે, આનંદ અખાડાના પીઠાધીશ્વર બાલકાનંદ ગિરી, જુના અખાડાના વરિષ્ઠ મહામંડલેશ્વર સ્વામી યતીન્દ્રાનંદ ગિરી, ઉદાસીન અખાડાના હરિ ચેતનાનંદ જી અને પ્રખ્યાત કથાકાર દેવકીનંદન ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરી અને જુના અખાડાના વરિષ્ઠ મહામંડલેશ્વર સ્વામી યતીન્દ્રાનંદ ગિરીના મતે, દેશમાં સનાતન બોર્ડની રચના અત્યંત જરૂરી બની ગઈ છે. સનાતન બોર્ડ જેટલું જરૂરી છે, તેટલું જ વક્ફ બોર્ડનું નાબૂદ કરવું પણ જરૂરી છે. વકફ બોર્ડ હવે જમીન કબજો બોર્ડ બની ગયું છે. સંતો એમ પણ કહે છે કે તેઓ આ શ્રદ્ધા મેળા દ્વારા મોદી અને યોગીની સરકારો પાસેથી આ બે માંગણીઓને દક્ષિણા તરીકે મૂકવા માંગે છે. તેમને આશા છે કે કેન્દ્રની મોદી સરકાર, જે અત્યાર સુધી સંતોના વિશ્વાસ પર ખરી ઉતરી છે, તે સંતોની આ માંગણી ચોક્કસપણે પૂર્ણ કરશે અને ખૂબ જ ટૂંક સમયમાં સનાતન બોર્ડની રચનાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો




















