મહાકુંભમાં સ્નાન માત્ર ધાર્મિક જ નહીં, પણ વૈજ્ઞાનિક રીતે પણ મહત્વપૂર્ણ
2025માં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધી કરોડો લોકો સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. પ્રયાગરાજમાં દર 12 વર્ષે મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. આ ચાર સ્થળોએ દર ત્રણ વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. 2025માં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરી 2025ના રોજ થઇ હતી. આશરે 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે.

મહાકુંભનું આધ્યાત્મિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
ધ્યાનગુરુ રઘુનાથ ગુરુજીના જણાવ્યા અનુસાર સમુદ્રમંથન દરમિયાન અમૃતનો કળશ (કુંભ) પ્રાપ્ત થયો હતો. દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું, જે પૃથ્વી પર 12 વર્ષ સમાન ગણાય છે. આ યુદ્ધ દરમિયાન અમૃતના ચાર ટીપા પૃથ્વી પર પડ્યા અને તે સ્થાન છે: પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક. દર 12 વર્ષે દેવતાઓ માટે અનુકૂળ ગ્રહયોગ થાય છે, જે આ સ્થળોએ મહાકુંભના આયોજનનું મહત્વ દર્શાવે છે.

જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહયોગ
સૂર્ય, પૃથ્વી, ચંદ્ર અને ગુરુ ગ્રહની ખાસ સ્થિતિઓ કુંભ મેળાના સમયમાં સ્નાન માટે અનુકૂળ ઉર્જા પ્રદાન કરે છે.
3 જાન્યુઆરી: સૂર્ય પૃથ્વીથી સૌથી નજીક હોય છે. 14 જાન્યુઆરી: મકરસંક્રાંતિ થાય છે, જેનાથી ઉત્તરાયણનો પ્રારંભ થાય છે. પૌષ પૂર્ણિમા: ગુરુ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે. આ ગ્રહયોગ પૃથ્વી પર ચુંબકીય ઉર્જા અને ધર્મિક દિવ્ય શક્તિઓમાં વધારો કરે છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ
કુંભ મેળાના સમયગાળામાં કેટલાક વૈજ્ઞાનિક અસરો પણ જોવા મળે છે.
1. હવામાન અને ઓક્સિજનની ઘનતા
આ સમય દરમિયાન ઠંડુ હવામાન હોવાથી હવામાં ઓક્સિજન મોલિક્યુલ્સની ઘનતા વધારે હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. પવિત્ર નદીના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરને શુદ્ધ કરે છે.
2. નદીના પાણીના ગુણધર્મો
ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમમાં પાણીમાં વિલયિત ઓક્સિજન (DO) અને ખનિજોની માત્રા વધે છે. સૂર્યકિરણના પ્રભાવ અને પાણીમાં રહેલી જૈવિક પ્રક્રિયાઓ ઓક્સિજનના સ્તરને વધારે છે, જે આરોગ્ય માટે લાભદાયક છે.
3.ચુંબકીય પ્રભાવ અને માનસિક શાંતિ
ગુરુ ગ્રહનું આકર્ષણ અને સૂર્યના સોલાર સાયકલના કારણે પૃથ્વી પરના ચુંબકીય ક્ષેત્રોમાં પરિવર્તન થાય છે. આ દરમ્યાન “સુમન રીઝોનેન્સ ફ્રીક્વન્સી” મગજની અલ્ફા વેવ (8-12 Hz) ને પ્રોત્સાહિત કરે છે. જેનાથી માનસિક શાંતિ, આરામ અને આધ્યાત્મિક ઉર્જા વધે છે.
કુંભ સ્નાનનું મહત્વ
ધ્યાનગુરુ રઘુનાથ ગુરુજીના કહેવા પ્રમાણે કુંભમાં સ્નાન કરવાથી ગ્રહોની શુભ ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે. સાધુ-સંતોના આશીર્વાદ અને પવિત્ર વાતાવરણ માનસિક શાંતિ આપે છે. નદીના પાણીનું pH, DO, TDS અને ખનિજનું પ્રમાણ શરીર માટે ફાયદાકારક છે. સૂર્યપ્રકાશ અને પાણીમાં રહેલી જીવસૃષ્ટિ (ફોટોસિંથેસિસ) વધુ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આથી મહાકુંભમાં સ્નાન માત્ર ધાર્મિક જ નહીં, પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
લેખકઃ ધ્યાનગુરુ રઘુનાથ ગુરુજી




















