અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
આ દરોડા તેમના બેસ્ટિયન રેસ્ટોરન્ટ અને કથિત કર ગેરરીતિઓ સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે.

મુંબઈ: મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા તેમના બેસ્ટિયન રેસ્ટોરન્ટ અને કથિત કર ગેરરીતિઓ સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે. આવકવેરા વિભાગ શિલ્પા શેટ્ટીના ઘર અને તેની સાથે સંકળાયેલા અન્ય સ્થળોએ દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે.
આ કેસમાં મુંબઈ તેમજ બેંગલુરુમાં દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં રેસ્ટોરાં અને સંકળાયેલી કંપનીઓના નાણાકીય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગને હોટલ વ્યવસાયમાં રોકાણ, આવક અને કર ચૂકવણીમાં અનિયમિતતા હોવાની શંકા છે.
આવકવેરા વિભાગ નાણાકીય વ્યવહારો, દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ, પુણે, બેંગલુરુ અને ગોવામાં બેસ્ટિયન નામથી ક્લબ અને રેસ્ટોરાં ચલાવતી બેસ્ટિયન હોસ્પિટાલિટીની તપાસ ચાલી રહી છે. મુંબઈ, પુણે અને બેંગલુરુમાં સર્ચની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત, પ્રમોટરોના રહેણાંક પરિસરમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગ નાણાકીય વ્યવહારો, રોકાણો અને કર સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે. હાલમાં, શિલ્પા શેટ્ટી કે રાજ કુંદ્રા દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
બુધવારે બેંગલુરુ પોલીસે બેસ્ટિયન સહિત બે રેસ્ટોરાં સામે કેસ દાખલ કર્યો
નોંધનીય છે કે બુધવારે બેંગલુરુ પોલીસે બેસ્ટિયન સહિત બે રેસ્ટોરાં સામે નિર્ધારિત સમય કરતાં વધુ કામ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. શિલ્પા શેટ્ટી બાસ્ટિયન ગાર્ડન સિટી રેસ્ટોરન્ટમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. આ પછી, અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ચર્ચ સ્ટ્રીટ વિસ્તારમાં સ્થિત બેસ્ટિયન ગાર્ડન સિટી સામે દાખલ કરાયેલા કેસનો જવાબ આપ્યો. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જારી કરીને આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા.
નોંધનીય છે કે Bastian Garden City રેસ્ટોરન્ટને Bastian Hospitality સંચાલન કરે છે. જેની સ્થાપના ઉદ્યોગપતિ રંજીત બિન્દ્રા દ્વારા કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, શિલ્પા શેટ્ટીએ 2019 માં આ સાહસમાં રોકાણ કર્યું હતું. દરમિયાન, આવકવેરા વિભાગે ચર્ચ સ્ટ્રીટ પર બેસ્ટિયન પબ પર પણ દરોડા પાડ્યા હતા. જોકે આ કાર્યવાહીની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે શિલ્પાના મુંબઈ સ્થિત ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.





















