Labh Panchami 2021:સૌભાગ્ય પંચમી આજે, જાણો આજના દિવસનું મહત્વ, શુભ મૂહૂર્ત અને પૂજા વિધિ
દિવાળી બાદ આજે વેપારીઓ લાભ પંચમીના દિવસે શુભ સંકલ્પ સાથે વેપારીઓ તેના ધંધા ઉદ્યોગની નવેસરથી શરૂઆત કરે છે.
Labh panchami:ગુજરાતી નવું વર્ષ દિવાળી બાદથી શરૂ થાય છે અને ત્યાર બાદ લાભ પંચમી અથવા સૌભાગ્ય પંચમી દ્વારા વેપારીઓ તેમના હિસાબ-કિતાબની પૂજા કરે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. આ સૌભાગ્ય પંચમી અથવા લાભ પંચમી 9 નવેમ્બર 2021, મંગળવારના રોજ એટલે કે આજે છે.
દિવાળી બાદ આજે વેપારીઓ શુભ સંકલ્પ સાથે તેના વેપાર ઉદ્યોગની નવેસરથી શરૂઆત કરે છે.
લાભ પંચમી 2021 શુભ મુહૂર્ત
8 નવેમ્બરે બપોરે 3.16 વાગ્યાથી પંચમી તિથિનો પ્રારંભ થયો છે. પંચમી તિથિ 9 નવેમ્બરે 10:35 વાગ્યે સમાપ્ત થશે. પ્રથમ લાભ પંચમી, પૂજા મુહૂર્ત 06:39 થી 10:16 સુધી છે.
લાભ પંચમીનું મહત્વ
લાભ પંચમીને સૌભાગ્ય અથવા જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે નવો ધંધો શરૂ કરવો શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં લાભ પંચમી એ નવા વર્ષનો પ્રથમ કાર્યકારી દિવસ છે, તેથી આ દિવસે વેપારીઓ હિસાબના ચોપડાની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
લાભ પંચમી પૂજા પદ્ધતિ
- આ દિવસે વહેલા ઉઠો અને સ્નાન વગેરે કરી પૂજન કરો.
- આ પછી ભગવાન શિવ, માતા પાર્વતી અને શ્રી ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરો.
- હવે દેવી-દેવતાઓને ચંદન, રોલી, અક્ષત, દુર્વા અને દીવો વગેરે અર્પણ કરો.
- માતા લક્ષ્મી અને ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરો.
- હવે ભગવાનને ભોગ ચઢાવો.
- તમારી ક્ષમતા અનુસાર દાન કરો.
વેપારીઓ આજના દિવસે વિધિવત ગણેશ શિવ પાર્વતીની પૂજા કરીને શુભ મૂહૂર્તમાં દિવાળી બાદ નવા વર્ષમાં શુભ સંકલ્પ સાથે વેપાર ઉદ્યોગની શરૂઆત કરે છે.