અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
wedding food poisoning: પોપટપુરા વિસ્તારમાં 1000 લોકોનું રસોડું હતું, જમ્યા બાદ ટપોટપ તબિયત લથડતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

wedding food poisoning: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપુરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ખુશીનો માહોલ ચિંતામાં પરિવર્તિત થઈ ગયો હતો. અહીં યોજાયેલા એક સમારોહમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં મહેમાનોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મેનુમાં રાખવામાં આવેલો 'દૂધીનો હલવો' ખાધા બાદ મહેમાનોને ઉલટી અને ગભરામણ શરૂ થઈ હતી. પરિસ્થિતિ એટલી વિકટ બની હતી કે દર્દીઓને સારવાર માટે શહેરની અલગ-અલગ 5 હોસ્પિટલોમાં ખસેડવાની ફરજ પડી હતી.
લગ્નની શરણાઈઓ વચ્ચે સાયરનો ગુંજી: દૂધીનો હલવો બન્યો વિલન
ધોળકાના પોપટપુરા વિસ્તારમાં એક પરિવારમાં લગ્નનો રૂડો પ્રસંગ ચાલી રહ્યો હતો. આ પ્રસંગે અંદાજે એક હજાર જેટલા મહેમાનો માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનો હોંશે હોંશે ભોજન લઈ રહ્યા હતા, પરંતુ જમ્યાના થોડા જ સમયમાં એક પછી એક લોકોને પેટમાં દુખાવો, ઉપકા આવવા અને ઉલટીઓ થવાની શરૂઆત થઈ ગઈ હતી. જોતજોતામાં અનેક લોકોની તબિયત લથડતા લગ્ન સ્થળે દોડધામ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભોજનમાં પીરસવામાં આવેલો દૂધીનો હલવો ખાધા બાદ આ સમસ્યા સર્જાઈ હોવાનું અનુમાન છે.
દર્દીઓને બોટલ ચડાવવી પડી: 5 હોસ્પિટલોમાં સારવાર શરૂ
ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા લોકોને તાત્કાલિક ધોરણે ધોળકા અને તેની આસપાસની પાંચ જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, મોટાભાગના દર્દીઓને ડિહાઈડ્રેશન (શરીરમાં પાણી ઘટી જવું) ની અસર જોવા મળી હતી. જેમના બ્લડ પ્રેશર (BP) ઘટી ગયા હતા અને વધુ અસ્વસ્થતા જણાતી હતી, તેમને તાત્કાલિક ડ્રીપ (બોટલ) ચડાવીને સઘન સારવાર આપવામાં આવી હતી. જ્યારે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પ્રાથમિક સારવાર અને દવા આપીને રજા આપવામાં આવી હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
ધારાસભ્ય દોડી આવ્યા, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ધોળકાના સ્થાનિક ધારાસભ્ય કિરીટ ડાભી તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તેમણે દાખલ થયેલા દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા અને ડોક્ટરો સાથે વાતચીત કરીને તમામને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવી તાકીદ કરી હતી. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો પણ સક્રિય થઈ હતી. અધિકારીઓએ લગ્ન સ્થળે જઈને દૂષિત મનાતા ભોજનના અને ખાસ કરીને દૂધીના હલવાના નમૂના (Samples) એકત્રિત કર્યા છે. આ નમૂનાઓને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જાણી શકાશે.





















