બાસ્કેટબોલમાં અનેક સિદ્ધિઓ મેળવનાર કુલદીપસિંહ સિસોદિયાની બહુચર્ચિત 'પ્રો બાસ્કેટબોલ લીગ' માટે પસંદગી, CBL-2023માં મોન્ટેક્સ મેવેરિક્સના કોચ તરીકે પસંદગી, જાણો તેમની જીવન યાત્રા વિશે
રાજસ્થાનમાં બ્યાવર જિલ્લાના ગોહાના નામના એક અંતરિયાળ ગામના વતની, કુલદીપની સંઘર્ષ યાત્રા, વિપરિત પરિસ્થિતિઓમાં ધીરજ રાખવા અને અવરોધોનો કેવી રીતે સામનો કરવો, તે શીખવાડે છે.
ભારતીય બાસ્કેટબોલ ક્ષેત્રમાં કુલદીપ સિંહ એક મોટું અને જાણીતું નામ છે. કુશળ બાસ્કેટબોલ ખેલાડી અને કોચ કુલદીપ સિંહે અત્યાર સુધીમાં 19થી વધુ સિદ્ધિઓ પોતાના નામે કરી છે. બાસ્કેટબોલ રમત પ્રત્યેનું સમર્પણ અને સખત મહેનત માટે કુલદીપ સિંહ ખૂબ જ જાણીતા છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ કુલદીપ સિંહની પસંદગી એલાઇટ પ્રો બાસ્કેટબોલ લીગ (ELITE Pro Basketball League), 2023 માટે થઈ છે. આથી તેઓ ખૂબ જ ચર્ચામાં છે. તેમના માટે આ એક મોટી સિદ્ધિ છે, કારણ કે દેશના શ્રેષ્ઠ બાસ્કેટબોલ ખેલાડીઓને લોકોની સામે લાવવા માટે આ લીગ જાણીતી છે.
એલાઇટ પ્રો બાસ્કેટબોલ લીગ, 2023માં પસંદગી ઉપરાંત, કુલદીપ સિંહ ચાલુ વર્ષે (2023) યોજાનાર કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ (CBL)માં મોન્ટેક્સ મેવેરિક્સ ટીમના મુખ્ય કોચ પણ છે. કુલદીપને પૂર્ણ વિશ્વાસ છે કે આ વર્ષે તેમની ટીમ સારું પ્રદર્શન કરીને ટ્રોફી જીતશે. કારણ કે, તેમની ટીમના દરેક ખેલાડીએ આ લીગ જીતવા માટે સખત મહેનત કરી છે. બીજી તરફ સીબીએલની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈને રહ્યા છે. ત્યારે આ લીગમાં બધાની નજર કુલદીપ સિંહની ટીમ મોન્ટેક્સ મેવેરિક્સ પર છે. લીગમાં કુલદીપ સિંહની ટીમ સારું પ્રદર્શન કરશે અને કુલદીપ સિંહના નેતૃત્વ અને કુશળતા હેઠળ ટીમ લીગમાં ટોચમાં પહોંચી લીગ જીતશે તેવી બાસ્કેટબોલ પ્રેમીઓને આશા છે.
જણાવી દઈએ કે, કુલદીપ સિંહના કારકિર્દીની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2009માં કુલદીપ સિંહની એક ખેલાડી તરીકે પસંદગી કરાઈ હતી. વર્ષ 2009થી 2014 દરમિયાન કુલદીપ સિંહે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને દેશ અને ટીમ માટે અસંખ્ય મેડલ અને ટ્રોફીઓ જીતી હતી. બાસ્કેટબોલની રમતમાં એક ખેલાડી અને કોચ તરીકે કુલદીપ સિંહની યાત્રા ખૂબ જ પ્રેરણાદાયી રહી છે. બાસ્કેટબોલના ક્ષેત્રમાં તેમની સફળતાની યાત્રા અન્ય ખેલાડીઓ અને કોચ માટે પણ પ્રેરણારૂપ છે. રમત પ્રત્યે તેમનું સમર્પણ અને તેમની સખત મહેનતે તેમને બાસ્કેટબોલની દુનિયામાં એક અલગ મુકામે પહોંચાડ્યા છે. આમાં કોઈ શંકા નથી કે, ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં તેઓ વધુ અનેક સિદ્ધિઓ હાંસલ કરશે.
એવોર્ડ:
એવોર્ડની વાત કરીએ તો બાસ્કેટબોલ ખેલાડી અને કોચ તરીકે કુલદીપ સિંહને અત્યાર સુધીમાં ઘણા એવોર્ડથી સન્માનિત કરાયા છે. ગુજરાતમાં ખેલમહાકુંભના પ્રારંભ સમયે ખેડા જિલ્લાના નડીયાદમાં પૂર્વ સીએમ વિજય રુપાણીના હસ્તે કુલદીપ સિંહને ઓનર એવોર્ડ અપાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતની તમામ સ્પોર્ટ્સ પર્સનાલિટીને બોલાવવામાં આવી હતી, જેમાં કુલદીપ સિંહને બાસ્કેટબોલમાં સ્પોર્ટ્સ પર્સનાલિટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ સિવાય, રાજસ્થાનના ગૃહમંત્રી તરફથી કુલદીપ સિંહને શ્રેષ્ઠ રમતગમત વ્યક્તિત્વનો એવોર્ડ મળ્યો છે. ઉપરાંત, રાજસ્થાનના રાજપૂત ખેલ મહાસંઘ તરફથી પણ પુરસ્કાર આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનના અજમેરમાં જિલ્લા કલેક્ટર એવોર્ડથી કુલદીપ સિંહને સન્માનિત કરાયા છે. જ્યારે વર્ષ 2022માં એથ્લેટિક ઉપલબ્ધિઓ માટે કુલદીપ સિંહને એક લાખ રૂપિયાનો નાણાકીય પુરસ્કાર મળ્યો હતો. આ સિવાય, આ જ વર્ષમાં તેઓ કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ (સીબીએલ)માં બીજા સ્થાને રહ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ ટીમે વર્ષ 2021માં યોજાયેલ અમદાવાદ બાસ્કેટબોલ લીગમાં મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ અને ઓપન 3x3 ગોલ્ડ મેડલ જીત્યા હતા.
જાણો, કુલદીપ સિંહ સિસોદિયાની કહાની:
એક ખેલાડીથી કોચ સુધીની કુલદીપ સિંહની યાત્રા સખત મહેનત, સમર્પણ અને જુનૂનની પ્રેરણાદાયી કહાની છે. રાજસ્થાનમાં બ્યાવર જિલ્લાના ગોહાના નામના એક અંતરિયાળ ગામના વતની, કુલદીપની સંઘર્ષ યાત્રા, વિપરિત પરિસ્થિતિઓમાં ધીરજ રાખવા અને અવરોધોનો કેવી રીતે સામનો કરવો, તે શીખવાડે છે. એક એવા નગરમાં જ્યાં માત્ર ક્રિકેટની રમતને જ લોકો જાણતા હતા, કુલદીપ સિંહે પણ ક્રિકેટ રમીને પોતાની ખેલ યાત્રાની શરૂઆત કરી હતી. પરંતુ, તેમની લંબાઈ અને સ્ફૂર્તિને જોઈને મોટા ભાઈ વિક્રમ સિંહે તેમને વોલીબોલ રમવાનું સૂચન કર્યું હતું. તેમના ભાઈ અને કાકાના સમર્થન અને સપોર્ટથી કુલદીપ સિંહ અમદાવાદ આવ્યા હતા અને અહીં આવ્યા બાદ તેમને બાસ્કેટબોલની રમતથી પ્રેમ થઈ ગયો હતો. કુલદીપ સિંહે મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો હતો કે તેઓ આ જ ખેલમાં એક શ્રેષ્ઠ ખેલાડી બનીને બતાવશે. આ રીતે બાસ્કેટબોલ ખેલાડી તરીકેની તેમની યાત્રા શરૂ થઈ હતી.
જણાવી દઈએ કે, કુલદીપ સિંહે નાની ઉંમરમાં જ પિતાની છત્ર છાયા ગુમાવી હતી. આવા પડકારજનક સમયમાં પણ તેમણે રમતગમત પ્રત્યેનો જુસ્સો યથાવત રાખ્યો હતો. સખત મહેનતથી, તેમણે રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. દેશ અને ટીમ માટે તેમણે ઘણાં મેડલ પણ જીત્યા હતા. તેમણે એક સર્ટિફાઇડ કોચ બનવા માટે NISમાંથી ડિપ્લોમાની ડિગ્રી પણ મેળવી હતી. કોચ તરીકે તેમણે અમદાવાદમાં 3 હજારથી વધુ ખેલાડીઓને ટ્રેનિંગ આપી. આ ખેલાડીઓમાંથી કેટલાકની પસંદગી નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે રમવા માટે થઈ. કોરોનાકાળ દરમિયાન પણ કુલદીપ સિંહ સ્પોર્ટ્સ પ્રત્યે પોતાના જુસ્સાને યથાવત રાખી ગામમાં બાળકોને ખેલ પ્રત્યે પ્રોત્સાહિત કરવા એક અભિયાનની શરૂઆત કરી હતી. તેમના પ્રયત્નોને સફળતા મળી અને તેમના કેટલાક સ્ટુડન્ટ્સ હાલ ભારતીય સેના અને પોલીસમાં દેશની સેવા કરી રહ્યા છે. કુલદીપ સિંહની જીવન યાત્રા અવરોધોનો સામનો કરવા અને રમતગમત ક્ષેત્રમાં સખત મહેનતથી જીવનમાં સફળતા મેળવવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.