Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat crime news: સોએબનું ઘટનાસ્થળે મોત અને નાઝીમની લાશ મહારાષ્ટ્ર બોર્ડર પર ફેંકી દેવાઈ: બચી ગયેલા ઈર્શાદે વર્ણવી આપવીતી, મુખ્ય આરોપી યુપી ફરાર.

Surat crime news: સુરતના ગોડાદરા વિસ્તારમાં માનવતાને લજવતો અને કમકમાટી ઉપજાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુખ્યાત બુટલેગર શિવાકાંત ઉર્ફે શિવા ટકલાએ પૈસાની ઉઘરાણીમાં ત્રણ મિત્રોનું અપહરણ કરી લોખંડના સળિયા અને લાકડાના ફટકાથી ઢોર માર માર્યો હતો. આરોપીની વિકૃતિની હદ તો ત્યારે વટાઈ ગઈ જ્યારે તેણે યુવકોને અપમાનિત કરવા તેમના અડધા વાળ, મૂછ અને આંખની ભ્રમર અસ્તરાથી કાપી નાખી હતી. આ અમાનુષી અત્યાચારમાં 22 વર્ષીય સોએબ અને નાઝીમ નામના બે યુવકોના કરૂણ મોત થયા છે, જ્યારે ઈર્શાદ નામનો યુવક ગંભીર ઈજાઓ સાથે બચી ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પૈસાની ઉઘરાણીમાં લોહિયાળ ખેલ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આ સમગ્ર ઘટના પાછળ આર્થિક લેતી-દેતી જવાબદાર છે. 1st December ના રોજ લિંબાયતના ગોવિંદ નગરમાં રહેતા ઈર્શાદ ઉર્ફે કાણિયો, નાઝીમ ઉર્ફે ભાંજા અને સોએબ ફિરોજ શેખ મારુતિ નગરમાં એકઠા થયા હતા. નાઝીમને બુટલેગર શિવા ટકલા સાથે પૈસા બાબતે જૂની તકરાર ચાલતી હતી. આ મુદ્દે વાતચીત કરવા માટે ત્રણેય મિત્રો ગોડાદરાના લક્ષ્મણ નગર ગયા હતા. ત્યાં વાતચીત ઉગ્ર બનતા શિવા ટકલા અને તેના સાગરીતોએ ત્રણેયનું અપહરણ કરી લીધું હતું.
વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ'
આરોપીઓ ત્રણેય યુવકોને કેપિટલ સ્ક્વેર ખાતે લઈ ગયા હતા. ત્યાં શિવા ટકલા ઉપરાંત નામચીન બુટલેગર રાજુ શીલાનો પુત્ર મેહુલ અને અન્ય 5 જેટલા શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ યુવકો પર લોખંડના સળિયા, લાકડાના ધોકા અને લાતો-બુટથી તાલિબાની સ્ટાઈલમાં હુમલો કર્યો હતો. એટલું જ નહીં, "કોઈને મોઢું બતાવવા લાયક નહીં રાખીએ" તેવી ધમકી આપીને તેમના અડધા વાળ, અડધી મૂછ અને આંખની એક ભ્રમર કાપી નાખીને વિકૃત આનંદ લીધો હતો.
બે મિત્રોની હત્યા, લાશનો નિકાલ કરવાનો પ્રયાસ
આ ઢોર મારને કારણે સોએબ શેખનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગભરાયેલા આરોપીઓએ સોએબના મૃત્યુ બાદ નાઝીમ અને ઈર્શાદને સારવારના બહાને ગાડીમાં બેસાડી મહારાષ્ટ્રના નંદુરબાર તરફ લઈ ગયા હતા. રસ્તામાં તળોદા પાસે નાઝીમે પણ દમ તોડી દેતા આરોપીઓએ તેની લાશ ત્યાં જ ફેંકી દીધી હતી. જ્યારે ઈર્શાદને એક સરકારી દવાખાના પાસે ઉતારીને શિવા અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા. ઈર્શાદ જેમ-તેમ કરીને ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
પોલીસ એક્શન: સાગરીતો ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર
આ ગંભીર ઘટનાની જાણ થતા જ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે અત્યાર સુધીમાં જાલમ કલાલ અને આસિફ મોતી શેખની ધરપકડ કરી લીધી છે. જોકે, મુખ્ય સૂત્રધાર શિવા ટકલો હાલ ઉત્તર પ્રદેશ (UP) તરફ ભાગી ગયો હોવાની શંકા છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓ મેહુલ, બિપીન અને અમિતને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ₹20,000 થી લઈને ₹1 Lakh સુધીની ઉઘરાણીનો મામલો હોવાનું સામે આવ્યું છે.





















