દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
Tarun Tejpal Convicted: બોમ્બે હાઈકોર્ટે તરુણ તેજપાલને જાતીય શોષણના કેસમાં દોષિત ઠેરવ્યા છે, અને ટ્રાયલ કોર્ટના નિર્દોષ છૂટવાના નિર્ણયને રદ કર્યો છે.

Tarun Tejpal Convicted: પૂર્વ તહેલકાના સંપાદક તરુણ તેજપાલને મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે 2013ના રેપ કેસમાં તેમને દોષી ઠેરવ્યા છે. ચુકાદો જાહેર થયો ત્યારે તરુણ તેજપાલ કોર્ટમાં હાજર હતા.
બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે વર્ષ 2013ના ચર્ચિત દુષ્કર્મ કેસમાં ટ્રાયલ કોર્ટે આપેલા નિર્દોષ છોડવાના નિર્ણયને રદ કર્યો છે. ગોવા સરકારની અપીલ સ્વીકારીને હાઈકોર્ટે તેજપાલને દોષી ઠેરવ્યા છે. હવે તેમની સજા અંગે અલગથી સુનાવણી કરવામાં આવશે.
ન્યાયમૂર્તિ નીલા ગોખલે અને ન્યાયમૂર્તિ અમિત જામસંડેકરની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. વિગતવાર આદેશ હજુ જાહેર થવાનો બાકી છે.
#WATCH | Panaji | Goa Police's Sunita Sawant, who was the Investigating Officer in Tarun Tejpal sexual assault case, says, "The case investigation was conducted properly. All the things which came out during the investigation were presented before the court. At some point in… pic.twitter.com/AaTKPyt2VD
— ANI (@ANI) August 6, 2026
2013નો કેસ
આ કેસ નવેમ્બર 2013નો છે. તહેલકાની એક જુનિયર મહિલા સહકર્મીએ ગોવામાં યોજાયેલા THINK ફેસ્ટિવલ દરમિયાન તરુણ તેજપાલ પર યૌન શોષણ અને દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આ મામલે ગોવા પોલીસે સ્વપ્રેરિત રીતે (સુઓ મોટો) એફઆઈઆર નોંધાવી હતી અને બાદમાં તેજપાલની ધરપકડ કરી હતી.
મે 2021માં માપુસાની સત્ર અદાલતે પૂરતા પુરાવાના અભાવ અને શંકાનો લાભ આપીને તરુણ તેજપાલને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ ગોવા સરકારે આ નિર્ણય સામે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટે ઉપલબ્ધ પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરવાની જગ્યાએ પીડિતાના વર્તન અને પૃષ્ઠભૂમિ પર વધુ ભાર મૂક્યો હતો. સાથે જ મહત્વના પુરાવાઓ, જેમાં તેજપાલનો માફી માંગતો ઈ-મેલ પણ સામેલ હતો, તેની અવગણના કરવામાં આવી હતી.
હાઈકોર્ટે રાજ્ય સરકારની દલીલો સ્વીકારીને ટ્રાયલ કોર્ટનો નિર્દોષ છોડવાનો નિર્ણય રદ કર્યો અને તરુણ તેજપાલને દોષી ઠેરવ્યા. હવે તેમની સજાની અવધિ નક્કી કરવા માટે અલગથી સુનાવણી થશે.
ગોવા પોલીસની પ્રતિક્રિયા
તરૂણ તેજપાલ યૌન શોષણ કેસની તપાસ અધિકારી સુનીતા સાવંતે જણાવ્યું કે, "આ કેસની તપાસ યોગ્ય રીતે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવેલા તમામ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. એક સમયે ટ્રાયલ કોર્ટ પુરાવાઓને યોગ્ય રીતે સમજવામાં પાછળ રહી ગઈ હતી. હાઈકોર્ટમાં દરેક મુદ્દા પર વિસ્તૃત દલીલો થઈ અને અંતે હાઈકોર્ટે નિર્દોષ છોડવાના આદેશને રદ કર્યો."






















