Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત
ગુજરાત રાજ્ય શાળા-સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના શિક્ષણ-સચિવને પત્ર લખ્યો છે. પત્રમાં સપ્ટેમ્બર 2009થી કલાર્ક અને પટ્ટાવાળાની ભરતી થઈ ન થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદ: રાજ્યની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત છે. જેને લઈ ગુજરાત રાજ્ય શાળા-સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના શિક્ષણ-સચિવને પત્ર લખ્યો છે. પત્રમાં સપ્ટેમ્બર 2009થી કલાર્ક અને પટ્ટાવાળાની ભરતી થઈ ન થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેલ્લાં 13 વર્ષથી ક્લાર્ક તથા પટાવાળાઓની ભરતી કરવામાં આવી નહીં હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે.
રાજ્યમાં પહેલા ગ્રાન્ટેડ ઇન એઇડ કોડ 1914 અને ત્યાર બાદ 1964માં બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી માટે પસંદગી સમિતિની જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ મુજબ શાળાઓમાં બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી જે-તે શાળા-સંચાલક મંડળ દ્વારા કરવામાં આવતી હતી. આ જોગવાઈ અંતર્ગત 2009 સુધી ભરતી થઈ હતી, પરંતુ માર્ચ-2009થી રાજ્યમાં ક્લાર્ક તથા પટાવાળાની ભરતી થઈ નહીં હોવાની વિગતોનો પર્દાફાશ થવા પામ્યો.
2009થી આજદિન સુધી, એટલે કે 13 વર્ષમાં ઘણીબધી ગ્રાન્ટેડ શાળાઓમાંથી ક્લાર્ક, પટાવાળા નિવૃત્ત અથવા તો મૃત્યુ કાં તો પછી રાજીનામું આપ્યું હોવાથી જગ્યા ખાલી પડી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક, ગ્રંથપાલ અને અન્ય જગ્યા પર જે-તે સમયે રાજ્યમાં ચાલતી વ્યવસાયલક્ષી પ્રવાહની શાળાઓમાંથી ફાજલ થયેલા શિક્ષકો, ઇન્સ્ટ્રક્ટરો અને અન્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ શાળાની ઓફિસ કામનો અનુભવ ધરાવતા ન હતા. એમાંથી પણ 90 ટકા નિવૃત્ત થઈ ગયા છે કે રાજીનામું આપ્યાં છે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે બિનશૈક્ષણિક સ્ટાફ ભરતીમાં વખતોવખત શૈક્ષણિક લાયકાતો બદલાતી રહે છે. નવા નિયમો મુજબ અને નવી લાયકાતો મુજબ હવે પછીની ભરતી કરવાની રહે છે. પ્રમોશન માટે પ્યૂન-ક્લાર્ક અને શિક્ષક તમામ માટે એક પ્રકારનો અભ્યાસક્રમ તથા પરીક્ષા પેટર્ન જાહેર કરવામાં આવી છે, જે અંગે પુનઃવિચારણા થવી જરૂરી છે. એ જ રીતે શાળામાં વહેલાસર અગાઉની પદ્ધતિ મુજબ ક્લાર્ક તથા પટાવાળાભાઈના ઇન્ટરવ્યુ અને પસંદગી થાય એ માટેની માગણી કરી છે. આ માટે જે-તે જિલ્લા શિક્ષણાધિકારીઓને એન.ઓ.સી. આપવાની રજૂઆત કરી છે.
ક્લાર્કની ગેરહાજરીથી શાળામાં શૂન્યાવકાશ સર્જાય શકે છે. શાળાઓના ચાર પાયા છે, જેમાં શિક્ષક, આચાર્ય તો ખરા જ, પરંતુ ક્લાર્ક અને પટાવાળાનો પણ સમાવેશ થાય છે. દરેક વ્યક્તિ શાળાના સંચાલનમાં મહત્ત્વનું યોગદાન આપતા હોય છે. આ ચારેયમાંથી એકપણ વ્યક્તિની ગેરહાજરી શાળામાં શૂન્યાવકાશ સર્જી દે છે. ક્લાર્ક શાળાનું હૃદય છે, કારણ કે ક્લાર્ક વાલીઓ, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ અને સરકારી કચેરીઓ સાથે સાંકળનાર એક મહત્ત્વની કડી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI