રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર ઉપર અક્ષય કુમારની 12 ફિલ્મો ભારે, 2018થી અક્ષયે લગાવી ફિલ્મોની લાઈન
ઘણા લાંબા સમયથી દર્શકો રણબીર કપૂર અને આલીયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રની રાહ જોઈ રહ્યા છે. કોરોના મહામારી પહેલાં બનવાની શરુ થયેલી આ ફિલ્મની રાહ જોઈને દર્શકો થાકી ગયા છે.
ઘણા લાંબા સમયથી દર્શકો રણબીર કપૂર અને આલીયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રની રાહ જોઈ રહ્યા છે. કોરોના મહામારી પહેલાં બનવાની શરુ થયેલી આ ફિલ્મની રાહ જોઈને દર્શકો થાકી ગયા છે. પણ શું તમે જાણો છો કે, રણબીરે એક ફિલ્મ બનાવવામાં જેટલો સમય લીધો એટલા સમયમાં જ અક્ષય કુમારે ધડાધડ 12 ફિલ્મોની જાહેરાત કરી છે. જી હાં, રણબીર કપૂરની એક ફિલ્મ સામે અક્ષય કુમારે 12 ફિલ્મોની લાઈન લગાવી છે. રણબીર કપૂર અને આલીયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં હજી પણ પેચવર્કનું કામ ચાલી રહ્યું છે.
અક્ષય કુમારની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2018થી અક્ષય કુમારે 12 ફિલ્મોની જાહેરાત કરી છે. અક્ષય કુમાર પાસે ઘણી મેગા બજેટ ફિલ્મોની લાઇન છે. 2018થી અક્ષયની મિશન મંગલ, હાઉસફુલ 4, ગુડ ન્યૂઝ, લક્ષ્મી, સૂર્યવંશી, બેલ બોટમ, અતરંગી રે, બચ્ચન પાંડે, પૃથ્વીરાજ, રક્ષાબંધન, રામસેતુ, OMG 2 અને સેલ્ફી નામની ફિલ્મોની જાહેરાત થઈ છે. જેમાંથી કેટલીક ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે અને કેટલીક ફિલ્મો રિલીઝ થવાની બાકી છે. અક્ષય કુમાર તેની જંગી ફિલ્મોની જાહેરાત કરીને આપણને ફિલ્મો ગણવાનો સમય નથી આપી રહ્યો. તો સાથે જ રણબીર કપૂર 4 વર્ષથી પોતાની એક જ ફિલ્મ પર દર્શકોને રાહ જોવડાવી રહ્યો છે.
મહામારી વચ્ચે પણ અક્ષય કુમારે 4 થી 5 ફિલ્મો કરવાનો ટાર્ગેટ પૂરો કર્યો છે. કોવિડ દરમિયાન એક વખત અક્ષય કુમાર પણ કોરોનાનો સંક્રમિત બન્યો હતો પરંતુ તેમ છતાં તેનો જુસ્સો ઓછો થયો ન હતો અને અક્કી સ્વસ્થ થતાં જ કામ પર પાછો ફર્યો હતો. અક્ષય જ નહીં, અજય દેવગણે પણ આ સમયગાળા દરમિયાન પોતાની 9 ફિલ્મો પૂરી કરી છે. આવી સ્થિતિમાં રણબીર કપૂરની સ્પીડનો અંદાજ તમે જાતે જ લગાવી શકો છો.
બ્રહ્માસ્ત્ર ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ જોવા મળવાના છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ મોટા પડદા પર શું કમાલ બતાવે છે.