Bollywood : બોલિવૂડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તરને કોર્ટનું તેડું
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ કંગના અને જાવેદ અખ્તરના ફિઝિશિયન ડૉ.રમેશ અગ્રવાલ સોમવારે કોર્ટમાં સાક્ષી તરીકે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા હતા.
Javed Akhtar And Kangana Ranaut Case Update: હૃતિક રોશન અને કંગનાના કેસ દરમિયાન શરૂ થયેલી જાવેદ અને કંગનાની લડાઈ હજુ પણ ચાલુ છે. હવે કોર્ટે જાવેદ અખ્તરને સમન્સ પાઠવ્યા છે. અભિનેત્રી કંગના રનૌતે જાવેદ અખ્તર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જાવેદ અખ્તરને ભારતીય દંડ સંહિતાની કલમ 506 (ગુનાહિત ધમકી) અને 509 (મહિલાની ગરિમાનું અપમાન) હેઠળ સમન્સ પાઠવવામાં આવ્યું છે. જે અંતર્ગત તેને 5 ઓગસ્ટે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
બંનેના ડોક્ટર સાક્ષી બન્યા
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ કંગના અને જાવેદ અખ્તરના ફિઝિશિયન ડૉ.રમેશ અગ્રવાલ સોમવારે કોર્ટમાં સાક્ષી તરીકે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા હતા. તેમણે 2016માં જાવેદ અને કંગના અને તેની બહેન રંગોલી ચંદેલ વચ્ચેની મુલાકાત વિશે વાત કરી અને કોર્ટને કહ્યું હતું કે, જાવેદ અખ્તરે તેમની સાથે કંગના અને રિતિક રોશન વચ્ચેના મુદ્દા વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, બંને કલાકારો વચ્ચે સમાધાન થવું જોઈએ.
કંગનાએ જાવેદ અખ્તર પર લગાવ્યો હતો કંઈક આવો આરોપ
2016માં જાવેદ અખ્તરે કંગનાને રિતિક રોશન સાથેના તેના વિવાદ અંગે સલાહ આપવા માટે તેના ઘરે બોલાવી હતી. 2020માં કંગનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમણે આ મુદ્દા પર બોલવા માટે તેને ધમકી આપી હતી અને બાદમાં તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ કંગનાએ જાવેદ અખ્તર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ડોક્ટરે શું કહ્યું?
અહેવાલો અનુંસર, જ્યારે જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે બંનેના ફિઝિશિયન ડૉ. અગ્રવાલને અપમાનજનક શબ્દો વિશે પૂછ્યું હતું તો તેમણે કહ્યું હતું કે, તેમણે એ સાંભળ્યું નથી. ડૉ. અગ્રવાલે કહ્યું હતું કે, આ વાતચીત લગભગ 20-30 મિનિટ સુધી ચાલી અને જતા પહેલા જાવેદે કંગનાને કહ્યું હતું કે, તમારે માફી માંગવી પડશે.' જ્યારે ડૉ.અગ્રવાલને પૂછવામાં આવ્યું કે, જાવેદે શું કહ્યું? 'પડશે કે માંગશો?' ત્યારે ડૉ. અગ્રવાલે જવાબ આપ્યો હતો કે, 'આપ માફી માગો' કહ્યું હતું. જો કે, આ દરમિયાન ડો. અગ્રવાલે એ પણ જણાવ્યું હતું કે, આ દરમિયાન કોઈ અપશબ્દો બોલ્યા નથી.
જ્યારે કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ ડૉ.અગ્રવાલને પૂછ્યું હતું કે, શું જાવેદ અખ્તરે તેમને હૃતિક રોશન અને કંગના વચ્ચે મધ્યસ્થી કરવા કહ્યું હતું? જેના જવાબમાં ડૉ.અગ્રવાલે કહ્યું હતું કે, તે જાવેદ અખ્તરની વિનંતી પર આ બેઠકનો ભાગ બન્યા હતાં. મીટીંગનો એજન્ડા જણાવતા ડો.અગ્રવાલે કહ્યું હતું કે, એજન્ડા એ હતો કે બંને એકબીજાની માફી માંગે. મને નહોતી ખબર કે, જાવેદ રોશન પરિવારને ફોન નહીં કરે અને માત્ર કંગનાને માફી માંગવા કહેશે.