Raksha Bandhan Trailer: 'રક્ષાબંધન'નું ટ્રેલર રીલીઝ, ભાઈ-બહેનના પ્રેમની સાથે જોવા મળી કોમેડી
અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ 'રક્ષાબંધન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં અક્ષય કુમાર મિઠાઈ બનાવતા રસોઈયાના રોલમાં જોવા મળે છે.
Raksha Bandhan Trailer: અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ 'રક્ષાબંધન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં અક્ષય કુમાર મિઠાઈ બનાવતા રસોઈયાના રોલમાં જોવા મળે છે, જેને બાળપણથી જ ભૂમિ પેડનેકર સાથે પ્રેમ છે. પરંતુ તે બંને લગ્ન નથી કરી રહ્યા કારણ કે અક્ષયને ચાર બહેનો છે અને આ બહેનો તેની જવાબદારી છે.
મજેદાર છે ફિલ્મની વાર્તાઃ
અક્ષય કુમાર ઈચ્છે છે કે, પહેલાં તેની બહેનોના લગ્ન થાય અને તેમનો ઘર-સંસાર શરુ થાય અને પછી તે લગ્ન કરે. પરંતુ તે એકલો તેની ચાર બહેનોના લગ્ન કરાવી શકતો નથી. લગ્ન ન થવાનું સૌથી મોટું કારણ દહેજના પૈસાની અછત છે. ફિલ્મનું ટ્રેલર ઘણું મજેદાર લાગે છે અને તેની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ લાગે છે. આ ફિલ્મમાં ભાઈ-બહેનના પ્રેમને મહત્વ આપવામાં આવ્યું છે, સાથે જ આજના યુગમાં પણ એક છોકરીના પિતા અને ભાઈ દહેજને લઈને સંઘર્ષ કરે છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ટ્રેલરમાં અક્ષય કુમાર કહેતા જોવા મળે છે, "આજે પણ આપણા દેશમાં દરેક ઘરમાં એક એવી છોકરી બેઠી છે જેનું દહેજ ઓછું પડી રહ્યું છે અને તેના પિતા અને ભાઈ આ માટે તેમના હાડકાં ઓગાળી રહ્યા છે. (ઘણી મેહનત કરી રહ્યા છે.)"
તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન 11 ઓગસ્ટ એટલે રક્ષાબંધનના તહેવારના દિવસે જ થિયેટરોમાં રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મથી જોડાયેલા મહત્વના સમાચાર એ છે કે, ફિલ્મ રીલીઝ થયા બાદ થોડા જ દિવસોમાં ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ પર આવી જશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મના ઓટીટી રાઈટ્સ Zee5એ ખરીદી લીધા છે. એટલે કે, આ ફિલ્મ થિયેટરોમાં રીલીઝ થયાના 4 અઠવાડીયા બાદ કે તેની પહેલાં જ સીધી ઝી5 પર સ્ટ્રીમ થઈ શકે છે. આશા છે કે, રક્ષાબંધન ફિલ્મ સપ્ટેમ્બર મહિના સુધી ઓટીટી પ્લેટફોર્મ પર આવી શકે છે. ફિલ્મ રક્ષાબંધનમાં અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની જોડી હશે. આ પહેલાં ભૂમિ અને અક્ષય 'ટોયલેટ એક પ્રેમ કથા'માં સાથે જોવા મળ્યા હતા.