"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો
મહેશે હમણાં કહ્યું કે, "હિન્દી ફિલ્મો માટે મને ઘણી ઓફર આવતી હોય છે, પરંતુ મને નથી લાગતું કે તેઓ મને અફોર્ડ કરી શકશે."
Mahesh Babu Income: તેલુગૂ ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબૂ હાલ પોતાની આવનારી ફિલ્મ સરકારુ વારી પાટા (Sarkaru Vaari Paata) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની આ ફિલ્મ આવતીકાલે એટલે કે 12 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ આ પહેલાં મહેશ બાબૂ પોતાના એક નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. મહેશે હમણાં કહ્યું કે, "હિન્દી ફિલ્મો માટે મને ઘણી ઓફર આવતી હોય છે, પરંતુ મને નથી લાગતું કે તેઓ મને અફોર્ડ કરી શકશે." આ નિવેદન બાદ હવે એ સવાલ થઈ રહ્યો છે કે, મહેશ બાબૂ કોઈ એક ફિલ્મ કરવા માટે કેટલા રુપિયા લે છે કે બોલીવુડ તેમને અફોર્ડ નહી કરી શકે?
મહેશ બાબૂએ શું કહ્યું હતું?
મહેશ બાબુએ કહ્યું, "મને હિન્દી ફિલ્મો માટે ઘણી ઑફર્સ મળે છે, પરંતુ મને નથી લાગતું કે તેઓ મને અફોર્ડ કરી શકે. હું એવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરીને મારો સમય બગાડવા માંગતો નથી જે મને પોસાય તેમ નથી. હું અહીં સાઉથમાં છું અને મારી પાસે જે સ્ટારડમ અને સન્માન છે તે ખૂબ જ મોટું છે. તેથી જ મેં ક્યારેય મારી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને બીજી ઈન્ડસ્ટ્રીમાં જવાનું નક્કી કર્યું નથી. મેં હંમેશા ફિલ્મો કરવાનું અને મોટું બનવાનું વિચાર્યું છે. મારું સપનું સાકાર થઈ રહ્યું છે. હું આનાથી વધુ ખુશ ના થઈ શકું."
કેટલું કમાય છે મહેશ બાબૂઃ
મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટ્સ અનુસાર મહેશ બાબૂ સામાન્ય રીતે કોઈ એક ફિલ્મથી 55 કરોડ રુપિયાની કમાણી કરે છે. રિપોર્ટમાં એ પણ દાવો કરાયો હતો કે, હવે મહેશે તેની ફી વધારી દીધી છે અને હવે તે ફિલ્મ માટે 80 કરોડ રુપિયા ફી તરીકે ચાર્જ કરે છે. તમને જણાવી દઈએ કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલીવુડમાં અક્ષય કુમાર અને સલમાન ખાન સૌથી વધારે ફી વસુલતા સ્ટાર છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, અક્ષય કુમારે પોતાની આવનારી ફિલ્મ સિંડરેલા માટે 135 કરોડ રુપિયા ફી વસુલી છે. આ સિવાય સલમાન ખાન માટે કહેવાય છે કે, તેણે ટાઈગર જિંદા હૈ ફિલ્મ માટે 135 કરોડ રુપિયા એક્ટિંગ ફી તરીકે લીધા છે.