કોણ છે સારા અર્જુન? જે 'ધુરંધર'માં બની 20 વર્ષ મોટા રણવીર સિંહની હિરોઈન
વીડિયોમાં રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, આર માધવન જેવા કલાકારોને લોકોએ પસંદ કર્યા છે

બોલિવૂડ ફિલ્મ 'ધુરંધર'માં રણવીર સિંહ એક જાસૂસ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે સારા અર્જુન નામની અભિનેત્રી જોવા મળશે, જે તેના કરતા 20 વર્ષ નાની છે. ફિલ્મના ફર્સ્ટ લૂક વીડિયોમાં સારા પણ જોવા મળી રહી છે. રણવીર સિંહ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ધુરંધર' માટે ચર્ચામાં છે. 6 જૂલાઈના રોજ તેના 40મા જન્મદિવસ નિમિત્તે નિર્માતાઓએ ફિલ્મનો ફર્સ્ટ લૂક વીડિયો રિલીઝ કર્યો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.
વીડિયોમાં રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, આર માધવન જેવા કલાકારોને લોકોએ પસંદ કર્યા છે. ફિલ્મમાં એક અન્ય કલાકાર છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. તે બીજું કોઈ નહીં પણ સારા અર્જુન છે.'ધુરંધર'માં સારા અર્જુન રણવીર સિંહની સામે જોવા મળશે. ફર્સ્ટ લૂક વીડિયોમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં સારા થોડા જ દ્રશ્યો દ્વારા ચર્ચામાં આવી છે.
ક્યારેક તેના પાત્રમાં સાદગી જોવા મળતી હતી તો ક્યારેક તે એકદમ આધુનિક દેખાતી હતી. હવે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સારા બોલિવૂડ અભિનેતા રાજ અર્જુનની પુત્રી છે. 'ધૂરંધર' મુખ્ય અભિનેત્રી તરીકેની તેની પહેલી ફિલ્મ છે. સારાએ અગાઉ બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઘણી જાહેરાતોનો ભાગ પણ રહી છે. તેના વિશે એવું કહેવાય છે કે જ્યારે તે માત્ર દોઢ વર્ષની હતી ત્યારે તેણે પહેલી વાર એક જાહેરાતમાં કામ કર્યું હતું. ત્યારબાદ તે લગભગ 100 જાહેરાતોનો ભાગ બની હતી.
વર્ષ 2001માં 'દેઇવા થિરુમગલ' નામની તમિલ ભાષાની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા સારા અર્જુને બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે સુપરસ્ટાર વિક્રમની પુત્રીનું પાત્ર ભજવ્યું હતું. તેણીએ વિક્રમની ફિલ્મ માટે શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ પણ જીત્યો હતો. તે મણિરત્નમની દિગ્દર્શિત ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન'માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણીએ છોટી નંદિની (ઐશ્વર્યા રાય) ના બાળપણની ભૂમિકા ભજવી હતી.
સારા માત્ર 20 વર્ષની છે. તેણીએ ખૂબ જ નાની ઉંમરે પોતાનું સારું નામ બનાવ્યું છે. હવે તે પહેલી વાર 'ધુરંધર' દ્વારા મુખ્ય ભૂમિકામાં તેના કરતા 20 વર્ષ મોટા અભિનેતા રણવીર સિંહ સાથે સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 5 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે.





















