જે પતિ પોતાની પત્નીની વાત સાંભળે છે તે વધુ સુખી અને સફળ જીવન જીવે છે, અભ્યાસમાં કરાયો દાવો
સંશોધકોએ એક એવું સત્ય જાહેર કર્યું જે નવપરિણીત પુરુષો માટે ખરેખર ઉપયોગી સાબિત થઈ શકે છે

"સુખી પત્ની, સુખી જીવન" નામની લોકપ્રિય કહેવત પુરુષો માટે સફળ લગ્ન અને કારકિર્દી માટે એક ઊંડાણપૂર્વકનું સત્ય છે. એક અભ્યાસમાં આ ખુલાસો થયો હતો. અમેરિકામાં ધ ગોટમેન ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય સંશોધકના મતે જે પતિઓ તેમની પત્નીઓનું કહ્યું માને છે તેઓનું લગ્નજીવન સફળ હોય છે અને પોતાના કાર્યક્ષેત્રમાં પણ સૌથી સફળ વ્યક્તિ બનવાની સંભાવના ખૂબ વધી જાય છે.
સુખી અને અતૂટ લગ્નજીવનના લક્ષણોનો અભ્યાસ કરતા વર્ષો વિતાવ્યા પછી ડૉ. જોન ગોટમેને એક એવું સત્ય જાહેર કર્યું જે નવપરિણીત પુરુષો માટે ખરેખર ઉપયોગી સાબિત થઈ શકે છે. પોતાના નવા અભ્યાસમાં ગોટમેને સલાહ આપી હતી કે તમારી પત્નીને ખુશ રાખો! પુરુષોએ તેમની પત્નીઓનું સાંભળવું જોઈએ અને તેમને તેમની પ્રોફેશનલ કારર્કિદીમાં સક્રીય ભૂમિકા અને સહાયક માર્ગદર્શક બનવા દેવા જોઈએ.
અભ્યાસમાં પુરુષોને સફળ લગ્ન માટે પોતાની પત્નીઓની વાતને સાંભળવાની સલાહ આપવામાં આવી છે. ગોટમેને સલાહ આપી હતી કે પુરુષોએ તેમની પત્નીઓ દ્ધારા તેમના જીવનને સકારાત્મક રીતે પ્રભાવિત કરવા માટે સહમત થવું જોઈએ અને પરંપરાગત સમીકરણમાં આવતા ફેરફારોનો પ્રતિકાર ન કરવો જોઈએ. "મોટે ભાગે એવું બને છે કે જે પુરુષો તેમની પત્નીઓના પ્રભાવનો પ્રતિકાર કરે છે તેઓ તેને સમજ્યા વિના આવું કરે છે. આવું થાય છે અને તે ઠીક છે પરંતુ પ્રભાવ કેવી રીતે સ્વીકારવો તે શીખવાનો સમય છે. દરરોજ તમારા જીવનસાથી પર ધ્યાન આપીને અને તેમને ટેકો આપીને કેળવવામાં આવતી માનસિકતા અને કૌશલ્ય બંને છે.
ડૉક્ટરે એ પણ જણાવ્યું હતું કે ભાવનાત્મક રીતે પરિપક્વ પતિ તેની પત્નીના પ્રભાવને સ્વીકારે છે અને "વધુ સહાયક અને સહાનુભૂતિશીલ પિતા પણ બને છે કારણ કે તે લાગણીઓ વ્યક્ત કરવામાં અને ઓળખવામાં ડરતો નથી."
અભ્યાસને લઈને યુઝર્સે આપી પ્રતિક્રિયા
ગોટમેનના સંબંધો પરના અભ્યાસના તારણો અને સફળ લગ્નને આકાર આપવામાં પુરુષની ભૂમિકાને પ્રકાશિત કરતી એક વાયરલ પોસ્ટે ઇન્ટરનેટનું ધ્યાન ખેંચ્યું અને અનેક મહિલા યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપી હતી. એક મહિલાએ તેના પતિને ટેગ કરીને કહ્યું હતું કે, “ખુશીની ગેરન્ટી છે- બસ હું જે કહું છું તે કરતા રહો!” એક અન્ય મહિલાએ પોતાના પતિને કહ્યું કે “તમને હજારમી વાર ટેગ કરી રહી છું... આશા છે કે તમે તેને ફોલો કરશે,”





















