શોધખોળ કરો
વડોદરા: વર્ગ 3ના અધિકારીના ઘરે ACBના દરોડા, છૂપા ભોંયરામાંથી મળી કરોડોની મિલકત

વડોદરા: વાઘોડિયા તાલુકા પંચાયતના વર્ગ 3ના ભ્રષ્ટ કર્મચારી દિનેશ કિકાણીના વાઘોડિયા રોડ પર કૈલાશ સોસાયટીના નિધીવન બંગલામાં સવારે 6 વાગ્યે એસીબીની ટીમે ત્રાટકી ત્યારે બંગલાના ડ્રોઇંગ રૂમની નીચેના હિસ્સામાં છુપાયેલું ભોંયરુ મળી આવ્યું હતું. અધિકારીઓએ ભોંયરામાં જઇને તપાસ કરતાં અગત્યના દસ્તાવેજો મળી આવ્યા હતા. દિનેશ કિકાણી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયા બાદ એસીબી પી.આઇ જી.ડી.પલસાણા સહિતના અધિકારીઓએ એસઆરપી જવાનોને સાથે રાખીને દિનેશ કિકાણીના કૈલાશ સોસાયટીના નિધીવન બંગલામાં દરોડા પાડયો હતો. એસીબીના અધિકારીએ ડ્રોઇંગ રૂમમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ. ડ્રોઇંગ રુમમાં એક સ્થળે દિવાલને અડીને રખાયેલ કઠેડો જોવા મળ્યો હતો,અધિકારીઓએ કઠેડાની આસપાસ પગ વડે દબાવીને તપાસ કરતાં નીચે ફ્લોરીંગની નીચે ભોંયરું હોવાનું જણાયુ હતુ. ભોયરામાં એસી અને કોમ્પ્યુટર સહિત તમામ ફર્નીચરથી સજ્જ રૂમ હતો. દિવાલને અડીને કબાટ બનાવાયુ હોવાનું અને ડ્રોઅર હોવાનું જણાયુ હતું. અધિકારીઓએ ડ્રોઅરની તલાશી લેતા અગત્યના દસ્તાવેજો મળી આવ્યા હતા. એસીબીએ કરેલી તપાસમાં 35 જેટલી જમીન,મકાન અને પ્લોટ સહિતની મિલકતો મળી આવી હતી. આ મિલકતોની હાલની બજાર કિંમત મુજબ 150 કરોડથી વધુ કિંમત હોવાનું બહાર આવ્યુ હતું. દિનેશ કિકાણીની 32 વર્ષની સરકારી નોકરી દરમિયાન છેલ્લા 16 વર્ષની મિલકતોની એસીબીએ તપાસ કરતાં 8.77 કરોડની બેનામી સંપત્તિ મળી હતી. એસીબીએ ગુરુવારથી વહેલી સવારથી જ દિનેશ કિકાણીના નિવાસસ્થાન અને ધંધાના પાંચ સ્થળોએ સવારે 6 વાગ્યાથી દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ. સર્ચ ઓપરેશનમાં 40 અધિકારીઓ અને કર્મચારીઓ તથા 30 એસઆરપી જવાનો જોડાયા હતા. દિનેશ કિકાણીના કૈલાસ સોસાયટીના ઘેર એસીબીએ સર્ચ કરતાં 19.43 લાખની અસ્કયામતો મળી આવી હતી, જેમાં ઘરવખરી સામાનનો સમાવેશ થાય છે. દિનેશ કિકાણીના બે લોકર પૈકી 1 લોકરની તપાસ કરતાં લોકરમાંથી 6.78 લાખના સોનાનાં ઘરેણાં મળી આવ્યા હતા. હજું બીજા લોકરની તપાસ બાકી હોવાનું એસીબીએ જણાવ્યુ હતું. દિનેશ કિકાણી પાસેથી 8.77 કરોડની બેનામી સંપત્તી મળ્યા બાદ હવે એસીબી દ્વારા આ મિલકતો વિશે ઉંડી પૂછપરછ કરવામાં આવશે. આસિ.ડાયરેકટર ગેલોટે જણાવ્યુ હતું કે જયારે ચાર્જશીટ કરાશે ત્યારે દિનેશ કિકાણીની મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા કરાશે.
વધુ વાંચો



















