Teachers Day: શિક્ષક દિને ગુજરાતના 28 શિક્ષકોનું થશે સન્માન,રાજ્યપાલના હસ્તે આપવામાં આવશે એવોર્ડ
ગાંધીનગર: ગુજરાતમાં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત આવતીકાલે 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાજ્ય પુરસ્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાતમાં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત આવતીકાલે 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાજ્ય પુરસ્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
શાળાનું મકાન એ એક શરીર છે અને તેમાં ભણાવતાં શિક્ષકો તેનો આત્મા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવી, સમગ્ર સમાજનું જીવનધોરણ સુધારવા માટે પોતાના કાર્યક્ષેત્રના સ્થળે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષકોના યોગદાનનું યથોચિત સન્માન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ પુરસ્કારથી કરવામાં આવશે.
સન્માન પ્રાપ્ત કરનારા પ્રત્યેક શિક્ષકને રાજ્યપાલના હસ્તે રૂ. 51 હજારનો પુરસ્કાર તેમજ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોર તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે.
5 સપ્ટેમ્બરના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે શિક્ષક દિવસ
ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવા માટે સમર્પિત છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિક્ષક દિવસ માત્ર 5 સપ્ટેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે ? તેની પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સ્ટોરી છે.
શિક્ષક દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?
5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ એ છે કે આ દિવસે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. ડો. રાધાકૃષ્ણન એક મહાન શિક્ષણશાસ્ત્રી, ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે શિક્ષણના ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું અને તેમના ઉપદેશો અને વિચારો આજે પણ લોકોને પ્રેરણા આપે છે.
સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. એક પ્રખ્યાત લેખક, શિક્ષક અને રાજકારણી, રાધાકૃષ્ણને ભારતના બૌદ્ધિક અને શૈક્ષણિક લેન્ડસ્કેપ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન "ભારત રત્ન"થી નવાજવામાં આવ્યા હતા.
જ્યારે ડૉ. રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ ઉજવવા તેમનો સંપર્ક કર્યો. તેના પર ડૉ.રાધાકૃષ્ણને તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. આ તેમના શિક્ષકો માટે આદરનું પ્રતીક બનશે. તેમના નમ્ર અને આદર્શ સૂચનને સ્વીકારીને 1962થી 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. ત્યારથી દર વર્ષે 5 સપ્ટેમ્બરને ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શિક્ષક દિવસ એ માત્ર શિક્ષકોનું સન્માન કરવાનો દિવસ નથી પરંતુ તે તેમના યોગદાન માટે તેમને યાદ કરવાનો અને આભાર માનવાનો દિવસ છે. આપણે હંમેશા આપણા શિક્ષકોના આભારી રહેવું જોઈએ.
આ દિવસ વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે. આ દિવસે શાળા-કોલેજોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને કાર્ડ, ફૂલો અને ભેટ આપીને તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. સમગ્ર દેશમાં 5 સપ્ટેમ્બરના દિવસે ધામધૂમથી શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશની તમામ શાળાઓમાં આ દિવસે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો...