Accident: રાધનપુર-કંડલા હાઈવે પર 5 વાહનો અથડાયા, ભીષણ અકસ્માતમાં 4 લોકોના મોતની આશંકા
Accident: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે સવારે અલગ–અલગ સ્થળોએ બનેલા માર્ગ અકસ્માતોએ હાહાકાર મચાવી દીધો છે. રાધનપુર, સુરત અને અમદાવાદના રસ્તાઓ પર બનેલા અકસ્માતોમાં ચારથી વધુ લોકોના મોત અને અનેક ઈજાઓની માહિતી મળી રહી છે.

Accident: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે સવારે અલગ–અલગ સ્થળોએ બનેલા માર્ગ અકસ્માતોએ હાહાકાર મચાવી દીધો છે. રાધનપુર, સુરત અને અમદાવાદના રસ્તાઓ પર બનેલા અકસ્માતોમાં ચારથી વધુ લોકોના મોત અને અનેક ઈજાઓની માહિતી મળી રહી છે.
રાધનપુર-કંડલા હાઈવે પર ભયાનક અકસ્માત
રાધનપુર-કંડલા હાઈવે પર મોટીપીપળી નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં ચારથી વધુ લોકોના મોતની આશંકા છે, જ્યારે સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં સામેલ વાહનોમાં ટ્રેલર, બાઈક, જીપ અને પીકઅપ વાનનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર 1 ટ્રેલર, 2 બાઈક, 1 જીપ અને 1 બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે, રાધનપુરના મોટી પીપળી નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જો કે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ સામે માહિતી સામે આવશે.
સુરતમાં કન્ટેઈનર મંદિરમાં ઘૂસ્યું
સુરતના ઉધના વિસ્તારમાં વહેલી સવારે એક મોટી ઘટના બની હતી. અહીં બેફામ કન્ટેઈનરે અકસ્માત સર્જી રોકડિયા હનુમાન મંદિરમાં ઘૂસી ગયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેઈનરના ચાલકને ઝોકું આવી જવાના કારણે આ અકસ્માત થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મંદિરને વ્યાપક નુકસાન થયું છે. ઉધના પોલીસે ઘટના બાદ કન્ટેઈનર ચાલકની અટકાયત કરી છે.
ધોલેરા હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત
તો ત્રીજા અકસ્માત અંગે વાત કરીએ તો, અમદાવાદના ધોલેરા હાઈવે પર હેબતપુર ગામ નજીક બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. બે બસ અથડાયા બાદ એક ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ખાનગી બસમાં સવાર આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઈજાગ્રસ્ત આઠ પૈકી ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.





















