Ahmedabad: અમદાવાદમાં યુવતી સાથે સ્પા સંચાલકની ક્રૂરતા, જાહેરમાં વાળ ખેંચી માર્યો ઢોર માર
Ahmedabad: સ્પાના માલિકની ક્રૂરતાની ઘટના 25 સપ્ટેમ્બરે સવારે સવા ચાર વાગ્યે બની હતી
Ahmedabad: અમદાવાદના સિંધુભવન સ્થિત સ્પામાં યુવતીને માર મારવા મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં સિંધુભવન રોડ પર ગેલેક્સી સ્પાના માલિક મોહસીને તેની બિઝનેસ પાર્ટનર 24 વર્ષીય યુવતીને ઢોર માર મારતો હોય તેવા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે મોહસિન યુવતીના વાળ પકડી તેને ઢસડીને માર મારી રહ્યો છે. યુવતી સ્પાની બાજુમાં આવેલા હેર સલૂનમાં મોહસિન સાથે પાર્ટનર હતી અને ધંધામાં હિસાબને લઇને બંન્ને વચ્ચે મારામારી થઇ હતી. આ વીડિયોમા દેખાય છે તે રીતે મોહસિન યુવતીને આડેધડ મારી રહ્યો છે. યુવતીને દીવાલ સાથે અથડાવી તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સિંધુભવન રોડ પર ટાઈમ્સ સ્ક્વેરમાં ત્રીજા માળે આવેલા સ્પાના માલિકની ક્રૂરતાની ઘટના 25 સપ્ટેમ્બરે સવારે સવા ચાર વાગ્યે બની હતી. દરમિયાન મોહસિન યુવતીને લગભગ 15 મિનિટ સુધી માર મારતો રહ્યો હતો. આરોપી મોહસિન દાણાપીઠ વિસ્તારનો છે. મોહસિન માર મારી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ તમાશો જોતા રહ્યા હતા. પોલીસની દરમિયાનગીરી બાદ મોહસીન સામે ફરિયાદ નોંધવામા આવી હતી.
ફરિયાદી યુવતીએ કહ્યું કે જ્યારે મોહસીન તેને મારતો હતો ત્યારે તેણે 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોહસિને તેનો ફોન ઝૂંટવી લીધો હતો અને માફી માંગી હતી જેથી તેણે ફરિયાદ નોંધાવી નહોતી. જોકે, પોલીસે તેને સપોર્ટ કરી સમજાવતા તેણે ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તે મોહસીનની બિઝનેસ પાર્ટનર હતી. 25 સપ્ટેમ્બરે યુવતીની સ્પામાં મહિલા સાથે ઝઘડો થયો હતો. મોહસીન ત્યાં આવ્યો અને મહિલા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. મોહસિને તેને નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું હતું. પીડિતાએ જણાવ્યું કે તે નોર્થ-ઇસ્ટ ભારતની રહેવાસી છે. તે કામ અર્થે અમદાવાદમાં રહે છે.
શરૂઆતમાં ડરેલી યુવતી મોહસિન સામે ફરિયાદ નોંધાવવા માટે તૈયાર નહોતી પરંતુ બાદમાં પોલીસની દરમિયાનગીરી બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે બોડકદેવ પોલીસે યુવતીની પૂછપરછ કરી અને મોહસીન નામના સ્પા સંચાલક સામે ફરિયાદ નોંધી હતી.