Ahmedabad: કમોસમી વરસાદના કારણે રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી
અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી હતી. બંગલાની પોળમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ નથી. સ્થાનિક કાઉન્સિલર ઘટનાસ્થળે પહોચ્યા હતા. રવિવારે પડેલા કમોસમી વરસાદના કારણે દીવાલ પડી હોવાની શક્યતા છે.
અમદાવાદમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા મહાનગરપાલિકાની પ્રી- મોનસૂનનો પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ચાંદખેડા અને રાણીપમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.
તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતું. વરસાદની સાથે ભારે પવન પવન ફુંકાતા શહેરમાં 15 વૃક્ષો ધારાશાયી થયા હતા. ભારે પવનના કારણે ઠેર ઠેર જાહેરાતના હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા. ઘણી જગ્યાઓ પર પાણી ભરાતા વાહનો બંધ થતા વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
ઉસ્માનપુરા, બોડકદેવ, સાયન્સ સીટી, ગોતા, ચાંદલોડિયા. જોધપુર, બોપલ, મક્તમપુરામાં સાડા ત્રણ ઈંચ અને સરખેજમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યારે દાણાપીઠ, દુધેશ્વર અને મણિનગરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે સાબરમતી નદી પરના વાસણા બેરેજના ચાર દરવાજા ખોલી છ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. જ્યારે શહેરના વેષ્ણોદેવીથી ઝુંડાલ સર્કલ તરફ જતા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવો પડ્યો હતો. અંડર બ્રિજ બંધ કરાતા બે કિલોમીટર સુધીના રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
Ahmedabad Rain: ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સાબરમતી નદીનો ચોંકાવનારો વીડિયો વાયરલ
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. ભારે પવન સાથે કરા પડતા હોવાના અનેક દ્રશ્યા સામે આવ્યા છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રંટનો વિડીયો પણ સામે આવ્યો છે. રિવરફ્રંટમાં તોફાની દરિયા જેવા મોજા ઉછળતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો અંગે આધિકારિક પુષ્ટિ થઈ નથી.
આ ઉપરાંત ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 4 દરવાજા 2 ઈંચ ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી નદી ઉપર વાસના બેરેજના 4 દરવાજા 07:00 વાગ્યાથી ખોલી 6000 ક્યુસેક્સ પાણી નદીમાં છોડવામાં આવેલ છે. જ્યારે નારણપુરા ભાવિન ચાર રસ્તામાં વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતા 3 થી 4 ગાડીઓને નુકશાન થયું છે. ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરીજનો હેરાન પરેશાન થયા છે.