Ahmedabad: ભાજપના ધારાસભ્યની દાદાગીરીનો વીડિયો વાયરલ, પોલીસકર્મીને કહ્યું- “હું કહું એટલે ઉભા રહી જવાનું નહીં તો....”
ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ વાહન ટોઈંગ કરી રહ્યા હતા.
અમદાવાદના અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય હાથ ખેંચી પોલીસકર્મચારીને કહી રહ્યા છે કે, “હું કહું એટલે ઉભા રહી જવાનું નહીં તો સસ્પેન્ડ થશો. ઓળખો છો મને ?. ક્યાં જતાં રહેશો ખબર પણ નહીં પડે.”
ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ વાહન ટોઈંગ કરી રહ્યા હતા. આ દરમિયાનમાં રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલ વાહન ટોઈંગ કરવામાં આવ્યું ત્યારે તે સમયે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા.
તેઓ આ જોઈને ઊભા રહ્યા અને ટોઈંગ ક્રેનના ઇન્ચાર્જ ઉદેસિંહ પટેલને નીચે બોલાવી ધારાસભ્ય હોવાનો રોફ જમાવી ASIનો હાથ પકડી કહ્યું અહીં ઉભા રહો. ASIએ કહ્યું કે હાથ ના પકડો તો ધારાસભ્યએ કહ્યું કે હાથ શું બધું પકડીશ અને ધમકી આપતા કહ્યું કે, હું કહું એટલે ઉભું રહેવાનું, નહિતર સસ્પેન્ડ થઈ જશો 2 મિનિટમાં, ઓળખો છો મને?. જ્યારે ધારાસભ્ય દાદાગીરી કરી રહ્યા હતા તે સમયે તેઓએ માસ્ક પણ નહોતું પહેર્યું.