દિવાળી પછી અમદાવાદમાં કોરોનાનો કાળો કેરઃ એક્ટિવ કેસ 100 થયા, જાણો 5 દિવસમાં જ નોંધાયા કેટલા કેસ?
અમદાવાદમાં સૌથી વધુ 100 એક્ટિવ કેસો છે. અત્યારે લગ્નની સિઝન પણ ચાલી રહી છે, તે માટે અમદાવાદીઓએ ચેતી જવાની જરૂર છે. ગુજરાતમાં કુલ 253 એક્ટિવ કેસો છે.
અમદાવાદઃ દિવાળીના તહેવારો પછી અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ 100 એક્ટિવ કેસો છે. અત્યારે લગ્નની સિઝન પણ ચાલી રહી છે, તે માટે અમદાવાદીઓએ ચેતી જવાની જરૂર છે. ગુજરાતમાં કુલ 253 એક્ટિવ કેસો છે. જેમાંથી 100 કેસો તો માત્ર અમદાવાદના જ છે. છેલ્લા પાંચ જ દિવસમાં અમદાવાદમાં 58 કેસો નોંધાયા છે.
અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લામાં ગઈ કાલે 20 કેસ નોંધાયા હતા, જેની સામે માત્ર 3 લોકો સ્વસ્થ થયા છે. 15મી નવેમ્બરે 15 કેસ નોંધાયા હતા, જેની સામે 2 લોકો ડિસ્ચાર્જ થયા હતા. 14મી નવેમ્બરે 11 કેસ નોંધાયા હતા, જેની સામે 4 લોકો સ્વસ્થ થયા. 13મી નવેમ્બરે 10 કેસો નોંધાયા હતા. જેની સામે 6 લોકો સ્વસ્થ થયા હતા. તો 12મી નવેમ્બરે 2 કેસ નોંધાયા હતા. જેની સામે 5 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી
અમદાવાદ પછી વલસડામાં 39, વડોદરામાં 37, સુરતમાં 18, રાજકોટમાં 18 એક્ટિવ કેસો છે. આ સિવાયના જિલ્લામાં 10થી 0 એક્ટિવ કેસો છે. દિવાળી પહેલા ગુજરાતમાં 20 જેટલા જિલ્લામાં એક પણ એક્ટિવ કેસો નહોતા. હવે 12 જિલ્લા એવા રહ્યા છે, જ્યાં એક ફણ એક્ટિવ કેસ નથી.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,671 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 5,05,556 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદમાં 2, વલસાડમાં 2, કચ્છમાં એક, નવસારીમાં એક નવા કોરોનાના કેસ નોંધાયા હતા.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 253 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 250 નાગરિકો સ્ટેબલ છે. 8,16,671 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.