અમદાવાદમાં ગ્રીનરી વધી! છેલ્લા 3 વર્ષમાં 70 લાખથી વધુ ઝાડ વાવ્યા, PM મોદીએ 'મન કી બાત'માં કર્યા વખાણ
શહેરમાં ૧૨.૫% વૃક્ષ આવરણ, વ્યક્તિદીઠ ગ્રીન કવર વધ્યું, રાજ્યભરમાં 'એક પેડ માં કે નામ' અભિયાન અને અર્બન ફોરેસ્ટના નિર્માણનું આયોજન.

Ahmedabad tree plantation: ગુજરાતનું અમદાવાદ મહાનગર છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન કવર વધારવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે, જેના પરિણામે શહેર ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક બન્યું છે. અમદાવાદના આ પ્રયાસોની ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રશંસા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ 'મન કી બાત'ના તારીખ ૨૭ એપ્રિલના એપિસોડમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરીની ખાસ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વૃક્ષાચ્છાદિત આવરણ વધતા અને જળસંગ્રહ ક્ષમતા માટેના ઉપાયો હાથ ધરાતા અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક શહેર બન્યું છે.
અમદાવાદની સિદ્ધિઓ: વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. AMC દ્વારા ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ના સમયગાળા દરમિયાન ૯૩ લાખથી અધિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષ (૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫)માં ૭૦ લાખથી વધુ વૃક્ષોનો સમાવેશ થાય છે. 'મિશન મિલિયન ટ્રીઝ' જેવી ઝુંબેશ દ્વારા નાગરિકોની સહભાગીતાથી મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પાછલા પાંચ વર્ષમાં અમદાવાદમાં ૨૬૦થી વધુ અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે.
વૃક્ષારોપણના આ પ્રયાસોના પરિણામે અમદાવાદનું વૃક્ષ આવરણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ૨૦૨૩ સુધી સરેરાશ વૃક્ષ અસ્તિત્વ દર ૬% હતો તે ૨૦૨૪માં વધીને ૮.૪% થયો છે. અમદાવાદનું હાલનું વૃક્ષ આવરણ ૬૦ ચોરસ કિલોમીટર છે, જે શહેરના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૨.૫ ટકા જેટલું છે. વ્યક્તિદીઠ ગ્રીન કવર પણ ૨૦૨૧માં ૬.૮ ચોરસ કિલોમીટરથી વધીને ૨૦૨૪માં ૮.૪ થયું છે. મહાનગરપાલિકાના ૪૮માંથી ૪૧ વોર્ડમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં વધારો થયો છે.
વૃક્ષારોપણની સાથે સાથે અમદાવાદે જળસંચયના ક્ષેત્રમાં પણ પ્રશંસનીય કામ કર્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના નિર્માણ અને કાંકરિયા સહિતના તળાવોના પુનર્નિર્માણ દ્વારા જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. AMC દ્વારા 'કેચ ધ રેઇન' અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે પરકોલેટિંગ વેલ, ખંભાતી કુવા અને જનભાગીદારીથી થયેલા જળસંચયના કામોને પણ વડાપ્રધાનએ બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રી અને રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'એક પેડ માં કે નામ' અભિયાન દ્વારા ધરતી માતાના સ્વાસ્થ્ય જાળવી રાખવા અને ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા વધુ વૃક્ષો વાવવાનું જે આહવાન કર્યું છે, તેને ગુજરાત ઝીલી લેવા સંપૂર્ણ સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન દ્વારા અમદાવાદની કરાયેલી પ્રશંસાને સમગ્ર રાજ્ય માટે નવી પ્રેરણા ગણાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ ૨૦૨૫ના 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવીને નગરોના સર્વગ્રાહી અને પર્યાવરણપ્રિય વિકાસ માટે સંગીન આયોજન કરી રહ્યો છે. ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે:
- આગામી ચોમાસા પહેલા રાજ્યના શહેરી વિસ્તારોમાં 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત ૫૦ લાખથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે.
- ૨૦૨૫માં રાજ્યના મહાનગરોમાં એક હેક્ટરથી વધુ વિસ્તારમાં ૪૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવી શકાય તે રીતે ૧૦૦થી વધુ અર્બન ફોરેસ્ટ ઊભા કરવાનું આયોજન છે.
- નવી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ૧% જમીન અર્બન ફોરેસ્ટ માટે અનામત રાખવાનું ફરજિયાત બનાવાયું છે.
- જળસંચય માટે 'કેચ ધ રેઇન' પ્રોજેક્ટને રાજ્યવ્યાપી બનાવવા ₹૨૦૦ કરોડની બજેટ જોગવાઈ અને મોટા મહાનગરોના તળાવોનું ઇન્ટરલિંકિંગ કરવાનું આયોજન છે.
- જે ૩૮ નગરપાલિકાઓમાં એક પણ બગીચો ન હતો, ત્યાં બગીચાઓનું નિર્માણ થશે.
અમદાવાદ મહાનગરપાલિકાએ આ વર્ષમાં સમગ્ર શહેરમાં ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના પર્યાવરણલક્ષી પ્રયાસોની કરેલી સરાહના સમગ્ર રાજ્ય માટે ગ્રીન કવર વધારવા અને જળ સંરક્ષણના કાર્યોને વેગ આપવા માટે પ્રોત્સાહનરૂપ બની રહેશે.





















